દિલ્હી-

એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 9 ટકાનો ઘટાડો થવાની આગાહી કરી છે. અગાઉ રેટિંગ એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.

રેટિંગ એજન્સી એસ એન્ડ પીએ સોમવારે 2020-21 માટે ભારતની વૃદ્ધિ આગાહીને ઘટાડીને માઇનસ 9 ટકા કરી દીધી છે. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સ એશિયા-પેસિફિકના અર્થશાસ્ત્રી વિશ્રુત રાણાના મતે, કોરોના સંકટને કારણે ખાનગી આર્થિક પ્રવૃત્તિમાં વધારો થયો નથી. કારણ કે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

યુએસ રેટિંગ એજન્સીનું કહેવું છે કે આ રોગચાળાને કારણે ભારતમાં ખાનગી ખર્ચ અને રોકાણ લાંબા સમય સુધી નીચા સ્તરે રહેશે. અગાઉ એસ એન્ડ પી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો. રેટિંગ એજન્સી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે અપેક્ષા કરતા વધારે છે.

રેટિંગ એજન્સીનું કહેવું છે કે લોકડાઉનમાં રાહત હોવા છતાં પણ લોકો ઘર છોડવાનું ટાળી રહ્યા છે, કારણ કે કોરોના કેસ વધી રહ્યા છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે જ્યાં સુધી કોરોના નિયંત્રણમાં નથી ત્યાં સુધી અર્થવ્યવસ્થામાં ઝડપી પુન:સજીવન થવાની કોઈ આશા નથી. આ પહેલા રેટિંગ એજન્સીઓ મૂડીઝ અને ફિચે પણ ભારતની વૃદ્ધિની આગાહી ઓછી કરી છે. મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકા અને વર્તમાન નાણાકીય વર્ષમાં 10.5 ટકાનો ઘટાડો થવાની આગાહી કરી છે.