ન્યુયોર્ક-

એલોન મસ્કની અંતરિક્ષ એજન્સી સ્પેસ એક્સ એ ગત રાત્રીએ એક જ રોકેટમાંથી એક ૧૪૩ ઉપગ્રહો લોંચ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એક્સે ફેબ્રુઆરી 2017 માં એક જ રોકેટમાંથી 104 ઉપગ્રહો લોંચ કરવાના ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઇસરોનાં રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ગત રાત્રીએ લોંચ કરવામાં આવેલ 143 ઉપગ્રહોમાં વ્યાવસાયિક અને સરકારી ક્યુબસેટ્‌સ, માઇક્રોસેટ્‌સ અને દસ સ્ટારલિંક ઉપગ્રહોનો સમાવેશ છે. આ ઉપગ્રહોનાં લોકાર્પણ સાથે, સ્પેસ એક્સે 2021 સુધીમાં વિશ્વભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સ્પેસ એક્સ એ ધ્રુવીય ભ્રમણકક્ષામાં સેટેલાઇટ લોન્ચિંગ માટે બહુ ઓછો ચાર્જ લીધો છે. તેણે દરેક સેટેલાઇટ માટે પ્રતિ કિલોગ્રામ ૧૫ હજાર ડોલર લીધા છે.

ઇસરોએ ફેબ્રુઆરી 2017 માં એક સાથે 104 ઉપગ્રહો લોંચ કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. ફેબ્રુઆરી 2017 માં ઈસરોએ જે કર્યું તે કરવામાં કોઈ અવકાશ એજન્સી સફળ થઈ ન હોતી. અમેરિકાનાં નાસા પણ ઇસરોની આ સિદ્ધિથી દંગ રહી ગઇ હતી. સ્પેસ એક્સ કંપની ફાલ્કન ૯ લોંચ વ્હિકલ રોકેટ દ્વારા ટ્રાન્સપોર્ટર-1 દ્વારા 143 ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં સફળ રહી છે. જ્યારે ફાલ્કન-9, 143 ઉપગ્રહોને લઇને અવકાશમાં ઉડ્યુ હતુ, ત્યારે તે ભારતની ઉપરથી પણ પસાર થયુ હતુ. જેનું સિગ્નલ ઈસરોની ટેલિમેટ્રી દ્વારા તેની મશીનમાં કેદ કરાયું હતું.