મુંબઇ-

મહારાષ્ટ્રના એક કવિએ સ્ટેજ પર માતા સરસ્વતીની મૂર્તિ હોવાનુ કારણ આગળ ધરીને એવોર્ડ લેવાનો ઈનકાર કરતા નવો વિવાદ છેડાયો છે. મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રની અગ્રણી સાહિત્ય સંસ્થા વિદર્ભ સાહિત્ય સંઘે કવિ યશવંત મનોહરને લાઈફ ટાઈમ એચીવ મેન્ટ એવોર્ડ આપવાનુ નક્કી કર્યુ છે. આ સમારોહ અંગે તેમને જાણકારી આપવામાં આવી હતી કે, કાર્યક્રમના ભાગરુપે સરસ્વી પૂજન પણ થવાનુ છે. 

જેના પર મનોહરે આપત્તિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, દેવી સરવસ્તીની મૂર્તિ મહિલાઓ અને શુદ્રોને જ્ઞાન પ્રાપ્ત કરવાથી દુર રાખતી માનસિકતાનુ પ્રતિક છે.જાેકે આવી વિચિત્ર વાત સાંભળીને આયોજકો પણ રોષે ભરાયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, સન્માન સમારોહનુ સ્વરુપ નહીં બદલાય.

એ પછી મનોહર કાર્યક્રમમાં સામેલ થયા નહોતા અને સંસ્થાને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.જેમાં તેમણે કહ્યુ હતુ કે, સંસ્થાએ મને કહ્યુ હતુ કે મંચ પર દેવી સરસ્વતીની મૂર્તિ રાખવામાં આવશે.એટલે મેં તેમાં જવાની ના પાડી દીધી હતી.ભૂતકાળમાં મેં કેટલાક સન્માન આવા કારણસર છોડી દીધા છે.હું સાહિત્યમાં ધર્મની દખલ સ્વીકારી શકુ તેમ નથી.

કાર્યક્રમનુ આયોજન કરનાર વિદર્ભ સાહિત્ય સંઘ મરાઠી સાહિત્ય માટે કામ કરનાર સૌથી મોટી સંસ્થા છે અને તેની સ્થાપના ૧૯૨૩માં થઈ હતી.દર વર્ષે આ સંસ્થા મરાઠી સાહિત્ય સાથે સંકળાયેલા સાહિત્યકારોનુ સન્માન કરતી હોય છે.