રાયપુર-

છત્તીસગઢમાં લોકડાઉન વચ્ચે દારૂની હોમ ડિલિવરી માટે શરૂ કરવામાં આવેલ એપ પર પહેલા જ દિવસે એટલો લોડ વધી ગયો કે એપ ક્રેશ થઈ ગઈ. સવારે ૯ વાગે લોકો આ એપ દ્વારા દારૂની હોમ ડીલીવરી માટે લાગી ગયા હતા. જેનું પરિણામ એ આવ્યું કે ગણતરીના કલાકોમાં જ એપ ક્રેશ થઇ ગઈ.વાસ્તવમાં, જયારે આ એપ ક્રેશ થઇ ત્યારે લોકો તેને ઠીક કરવાની પણ માંગ કરવા લાગ્યા. બાદમાં તેને ઠીક તો કરવામાં આવી પરંતુ, ફરી આ એપ પર ડીમાંડ વધી ગઈ. પરિણામ એ આવ્યું કે બપોર થતા થતા એપ પર ફરી લોડ એટલો વધી ગયો કે એપ ફરી ક્રેશ થઇ ગઈ.

આબકારી વિભાગના અરવિંદ પટેલના જણાવ્યા અનુસાર રાજધાની રાયપુરમાં પહેલા જ દિવસે બપોરે ૧ વાગ્યા સુધી લગભગ ૩૫૦૦ લોકોએ દારૂની હોમ ડીલીવરી માટે એપ દ્વારા પેમેન્ટ કર્યું હતું. સમગ્ર રાજયમાં આ આંકડો લગભગ ૨૦ હજારને પાર પહોંચી ગયો હતો. વિભાગે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો ઓર્ડર કરી રહ્યા હતા. એટલે સર્વર ઠપ્પ થઇ ગયું. હાલ તો, તેને સરખું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, જાણવા મળી રહ્યું છે કે કેટલાંક ટેકનીકલ કારણોના લીધે આ એપ વારંવાર ખોરવાઈ રહી છે. છતીસગઢમાં ગયા વર્ષે લોકડાઉનના સમયે પણ દારૂની ઓનલાઈન ડીલીવરી કરાવવામાં આવી હતી. તાજેતરના લોકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ હોવાને કારણે લોકો ગેરકાયદેસર રીતે દારૂ પીવા લાગ્યા હતા અને કેટલાંક લોકોના તેને કારણે મોત થયાના સમાચાર પણ આવ્યા હતા. જેને કારણે સરકારે દારૂની હોમ ડીલીવરી શરૂ કરવી પડી હતી.