વડોદરા, તા.૩૦ 

વડોદરા શહેર-જિલ્લામાં નિરંકુશ બનેલા જીવલેણ કોરોનાએ આજે નિવૃત્ત શિક્ષક, જી.એન.એફ.સી.ના સિનિ. પૂર્વ મેનેજર, બી.એસ.એન.એલ.ના કર્મચારી તથા પી.ડબલ્યુ.ડી.નાં નિવૃત્ત અધિકારી સહિત ૨૧ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન કાળનો કાળીયો બન્યા હતા. આ સાથે નવા વધુ ૯૬ કોરોના પોઝિટિવ કેસો સાથે આવતા પોઝિટિવ દર્દીઓનો કુલઆંક ૪૫૭૨ પર પહોંચ્યો હતો. ડેથ ઓડિટ કમિટિ દ્વારા કોરોનામાં દર્દીઓનો મૃત્યુંઆંકમાં સતત વધારો થતાં કુલ દર્દીઓ મૃત્યુ સંખ્યાં ૮૭ પર પહોંચી હતી. હાલના સારવાર લઇ ચૂકેલા ૧૦૨૯ દર્દીઓ પૈકી ૮૬૩ સ્ટેબલ, ૧૪૩ ઓક્સિજન પર તથા ૫૦ દર્દીઓ વેન્ટીલટર પર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો એ જણાવ્યું હતું. તદ્‌ ઉપરાંત સાંજ સુધીમાં ૮૦૯ સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૯૬ પોઝિટિવ અને ૭૧૧ નેગેટિવ રીપોર્ટ આવ્યા હતા. ૩૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સાવલી તાલુકાના મોકસી ગામે રહેતાં અને જી.એન.એફ.સી.માં સિનિ. મેનેજર તરીકે નિવૃત્ત થયેલા ૭૫ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતા. તેમને શહેરના દાંડીયાબજારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

શહેર નજીક આવેલ પોર ગામ નજીકના બ્રહ્મપુરા ફલિયામાં રહેતાં અને બી.એસ.એન.એલ.ના પૂર્વ કર્મચારી ઉ.વ.૭૭ વર્ષના વૃધ્ધ તાવ, ખાંસી તથા હાર્ટની તકલીફની સારવાર માટે શહેરના પાણીગેટ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ દર્દીની સઘન સારવાર હાથ ધરી હતી. દરમિયાન તેમનુ મોત થયું હતું. ભરૂચ ટાઉનના નર્મદા એપોર્ટમેન્ટમાં રહેતા અને પી.ડબલ્યુ.ડી. વિભાગમાંથી બે ત્રણ વર્ષ અગાઉ જ નિવૃત્ત થયેલા ૬૫ વર્ષના કર્મચારી કોરોના સંક્રમિત બન્યા. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલના કોરોના કોવિડ સેન્ટરમાં રીફર કર્યા હતા. જ્યાં તબીબોએ કોવિડની સારવાર હાથ ધરી હતી. દરમિયાન દર્દીનું મોત થયું હતું. કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા નિવૃત્ત શિક્ષક કોરોનાની અસર હેઠળ આવ્યા બાદ તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. તેમનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેમની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહેરના હરણી રોડ પર આવેલ ઇન્દપુરી સોસાયટીમાં રહેતા ૮૪ વર્ષીય વૃધ્ધાને કીડનીની તકલીફ ઉભી થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સયાજીપુરા મહિપાર્કમાં રહેતાં અને કેન્દ્રીય મિનિસ્ટ્રી વિભાગમાં એકાઉન્ટ તરીકે નિવૃત્ત થયેલા ૬૯ વર્ષના વૃધ્ધ તથા તેમના પુત્ર કોરોના સંક્રમિત બન્યા હતા. બંનેને કોરોનાની અર્થે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પિતાનું સારવાર દરમિયાન મોત થયુ હતું. જ્યારે પુત્રની સારવાર ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગોત્રી જય યોગેશ્વર નગરમાં રહેતા ૩૯ વર્ષીય યુવાનને શંકાસ્પદ કોરોનાના લક્ષણ સાથે કોવિડની સારવાર આપતી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.  

ગોરવા લક્ષ્મીપુરા નજીક સ્વામી વિવેકાનંદ હાઇટ્‌સ ખાતે રહેતાં ૪૭ વર્ષીય વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ ગોત્રિ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મરણ થયું હતું. મધ્ય પ્રદેશના જાંબુવા તાલુકાના રાનપુર ગામે રહેતા ૬૦ વર્ષીય વૃધ્ધ કોરોના સંક્રમિત થતા તેમને સારવાર માટે સંગમ ચાર રસ્તા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જ્યાં તેમનું મરણ થયું હતું.

સેવાસી વાજપાયી નગર ખાતે રહેતા ૫૩ વર્ષીય મહિલા કોરોનાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયાં હતા. જ્યાં તેણીનું મૃત્યું થયુ હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રાયપુરા ગામે બારીયાવગોમાં રહેતાં ૬૫ વર્ષીય વૃધ્ધ શરદી ખાંસી જેવી સામાન્ય બિમારીની સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે આવ્યા હતાં. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ આવે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું.

વાઘોડિયા તાલુકાના આસોજ ગામે રોડ ફળિયામાં રહેતાં ૭૦ વર્ષીય વૃધ્ધ કોરોના સંક્રમિત બન્યા હતા. તેઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમનો કોરોના રિપોર્ટ આવે તે અગાઉ મોતને ભેટ્યાં હતા. આ તમામ મૃતકોની અંતિમ વિધિ શહેરના અલગ-અલગ સ્મશાનમાં કોરોનાની સરકારી પ્રોટોકોલ મુજબ કરવામાં આવી હતી.

બે કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં વડોદરા પેન્શન ચૂકવણી કચેરી ૧૦ દિવસ માટે બંધ

નર્મદા ભવન સ્થિત સિટી મામલતદાર કચેરી પૂર્વના નાયબ મામલતદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્ર તા.૪થી ઓગષ્ટ સુધી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે કુબેર ભવન સ્થિત પેન્શન ચુકવણી કચેરીના બે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કચેરીમાં લોકોની અવર જવર પર ૧૦ દિવસ નિયંત્રણો મુકવામાં આવ્યા છે. તિજાેરી અધિકારી (પેન્શન) ચુકવણાં કચેરી, વડોદરાના બે કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવાથી કચેરીની મુલાકાતે આવતાં પેન્શનરો, અરજદારો માટે ૧૦ દિવસ માટે આ કચેરીની મુલાકાત અનિવાર્ય સંજાેગે ન લેવા આપીલ કરવામાં આવી છે. તેમ તિજાેરી અધિકારી (પેન્શન), વડોદરાએ એક યાદીમાં જણાવાયું છે.