કોલંબો-

શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ પાંચ સભ્યોની શિસ્ત સમિતિના રિપોર્ટના આધારે તાજેતરના યુકે પ્રવાસ દરમિયાન બાયો-સુરક્ષિત વાતાવરણના ભંગ બદલ ત્રણ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. બેટ્‌સમેન ધનુષ્કા ગુણાતીલકા, કુસલ મેન્ડિસ અને વિકેટકીપર નિરોશન ડિકવેલાને દરેકને એક વર્ષનો પ્રતિબંધ અને દંડ (૧૦ મિલિયન શ્રીલંકન રૂપિયા, જે ભારતીય રૂપિયામાં ૩૭ લાખથી વધુ છે) લગભગ ૩૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

શિસ્ત સમિતિએ પોતાના અહેવાલમાં ૧૮ મહિનાના પ્રતિબંધની ભલામણ કરી હતી. આ ઉપરાંત તેણે તેના પર ૨૫,૦૦૦ ડોલર નો દંડ લાદવાની પણ હિમાયત કરી હતી. આ ત્રણેએ જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે પહેલા ડરહામમાં કોવિડ સંરક્ષણ માટે રચાયેલ બાયો-સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કર્યું હતું.

ત્રણેયને તાત્કાલિક સસ્પેન્ડ કરીને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. જજની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની શિસ્ત સમિતિ દ્વારા ત્રણેયને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ભારત સામેની વનડે અને ટી-૨૦ શ્રેણી માટે આ ત્રણેયના નામની વિચારણા કરવામાં આવી નહોતી.