શ્રીનગર-

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાશી ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ ૪.૨૦ વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ઝપેટમાં આવી ગયા. આ અકસ્માત બાદ ૩૬ લોકો ગૂમ છે. જેમના મોતની ભીતિ સેવાઈ રહી છે. કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ ભારતીય સેના, એનડીઆરએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. રેસ્ક્યૂ ટીમ અકસ્માત બાદ ગૂમ થયેલા લોકોની શોધમાં લાગી છે. હોનજર આંતરિયાળ વિસ્તાર છે આથી રાહત ટીમને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કિશ્તવાડના એકએસપી શફકત ભટે જણાવ્યું કે ચાર મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માત બાદ અનેક લોકો ગૂમ છે. જેમની સંખ્યા ૩૬ની આસપાસ છે. તેમણે કહ્યું કે તેમને ભાળ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે તેમના માર્યા ગયા હોવાની શંકા છે. જિલ્લા પોલીસ કિશ્તવાડે ટ્‌વીટ કરીને અકસ્માતની જાણકારી આપી અને હેલ્પલાઈન નંબર જાહેર કર્યા. પોલીસે ટ્‌વીટ કરીને કહ્યું કે કિશ્તવાડમાં ભારે વરસાદને જાેતા ઈમરજન્સી સ્થિતિમાં લોકો આ નંબર પર સંપર્ક કરી શકે છે. હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. લાહોલ સ્પીતિમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું જેના કારણે ૧૦ લોકો ગૂમ છે. હિમાચલ પ્રદેશ પોલીસ અને આઈટીબીપીની ટીમો ગૂમ થયેલા લોકોની શોધ કરી રહી છે. જાે કે મંગળવારે પાણીના પૂરપાટ પ્રવાહના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિધ્ન આવ્યું હતું. આજે સવારથી ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે.