વડોદરા,તા.૧૦ 

કોરોના વાઈરસના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા દર્દીઓને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ઓક્સિજન સહિત જરૂરી તાત્કાલિક સારવાર આપીને તેનો જીવન બચાવવા વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં રાજ્યનું સૌથી મોટું કોવિડ ટ્રાએજ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં ૫થી ૭ જેટલા વેન્ટિલેટર અને ૨૨ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં ગોલ્ડન અવર તાત્કાલિક સારવારના સિદ્ધાંત પ્રમાણે કોરોનાના લક્ષણો સાથે અને ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની જરૂરી ત્વરિત સારવાર માટે કરવામાં આવશે. સયાજીમાં કોવિડના નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, અકસ્માત હોય કે શારીરિક ગંભીર બીમારી, પ્રથમ એક કલાકમાં જરૂરી સારવાર મળે તો દર્દીની જીવન રક્ષામાં ખુબ મદદ મળે છે, જેને ગોલ્ડન અવર પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય હોસ્પિટલમાંથી સયાજીમાં ખસેડવામાં આવી રહેલા પોઝિટિવ તેમજ કોવિડના લક્ષણો જણાતા હોય તેવા અને પ્રમાણમાં જેમની હાલત નાજુક જણાતી હોય તેવા દર્દીઓને આ સુવિધા ખાતે ઓક્સિજન સહિત જરૂરી સારવાર તાત્કાલિક આપવામાં આવશે. તેની તબિયતમાં સ્થિરતા આવે તે પછી, જાે કોવિડ ટેસ્ટ ના થયો હોય તેવા દર્દીનો કોવિડ ટેસ્ટ કરાશે અને પોઝિટિવ દર્દીઓને કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જાે ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીને તેની તબિયતની ગંભીરતા પ્રમાણે નોન કોવિડ આઇસીયુ અથવા રોગ પ્રમાણેના વોર્ડમાં ખસેડવામાં આવશે. આવા દર્દીને તેના સ્વજનો ઈચ્છે તો સારવાર માટે અન્ય મફત સારવાર આપતાં દવાખાનાઓમાં લઈ જઈ શકશે. સારવારના દરેક તબક્કે દર્દીને સંક્રમણથી મુક્ત રાખવા મહત્તમ કાળજી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોવિડ દર્દીઓ સારવાર માટે આવે છે.