વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરો અને વિવિધ નેતાઓ માત્ર નામના જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વખતના બોર્ડમાં ચૂંટાયેલા તમામના કામનો વહીવટ સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી થઇ રહ્યો છે. જેમાં સંગઠનની ભારે દખલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં સ્થાયી સમિતિનો એજન્ડા ભાજપ કાર્યાલયમાં તૈયાર થયો હતો.જે તૈયાર કરવાને માટે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ ખુદ સોમવારે ભાજપ કાર્યાલય ખાતે ગયા હતા.જ્યાં કોની જાેડે બેસીને બંધ બારણે પક્ષના કાર્યાલયમાં એજન્ડાએ નક્કી કરરાયો હતો? એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે. પક્ષના અગ્રણીઓમાં થતી ચર્ચા અનુસાર વડોદરા શહેરમાં પૂર્વ મેયર ભરત શાહ અને પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષપદે ભરત ડાંગર હતા ત્યારથી રંજનબેન ભટ્ટ અધ્યક્ષ રહ્યા ત્યાં સુધી સંગઠનની કોઈ પણ પ્રકારની દખલગીરી નહોતી. તેમજ શાસકો સ્વાત્યંત્ર રીતે કાર્ય કરતા હતા.પરંતુ શહેર ભાજપ અને પાલિકામાં સત્તા પરિવર્તન આવ્યા પછીથી બધું જ જડમૂળથી પુનઃ બદલાઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ સંગઠનની દાખલગીરીને લઈને ગણગણાટ શરુ થઈ ગયો છે. પરંતુ પક્ષની શિસ્તના નામે કોઈપણ હોદ્દેદારો મોં ખોલવા તૈયાર નથી.

પાલિકાના વહીવટ પર અંકુશ મેળવવા સંગઠનના ધમપછાડા

વડોદરા મહાનગર પાલિકાના અંદાજે સાડા ત્રણથી ચાર હજાર કરોડના વહીવટ પર પક્કડ જમાવવાને માટે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. સમગ્ર પાલિકાનો વહીવટ ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીથી નહિ,પરંતુ ભાજપના મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલયથી કરવામાં આવે એવી રીતનું દબાણ ઉભું કરવામાં આવ્યું છે. જેને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. પરંતુ ચૂંટાયેલા કાઉન્સિલરો અને એમના નેતાઓ સંગઠન સામે લાચાર બની ગયા છે.તેઓને માત્રને માત્ર સંગઠનની કઠપૂતળી બનાવીને રાખવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વહીવટ પર પક્કડ જમાવવા માટે સંગઠનની બેક ડોર એન્ટ્રી ?

વડોદરા મહાનગર પાલિકાના વહીવટ પર સીધી પક્કડ જમાવવાને માટે સંગઠન દ્વારા પાછલા દરવાજે પ્રવેશ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી.ત્યારે ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટાયેલા હોદ્દેદારોના નેતાઓની વરણી કરવા સુધી સંગઠન દ્વારા ચંચુપાત કરવામાં આવ્યો હતો. સંગઠન દ્વારા પાલિકાની ચૂંટણીઓમા ટીકીટોની ફાળવણી અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાથી લઈને ચેક સુધી સંગઠન દ્વારા માથું મારવામાં આવ્યું હતું.જેને લઈને પાલિકા પર સંગઠનની પક્કડ રહે. ભારત ડાંગરના સમયે સંગઠનના ચંચૂપાતને લઈને પ્રશ્નો ઉઠ્‌યા હતા.ત્યારબાદ પ્રદેશ કક્ષા દ્વારા આ ચંચુપાત બંધ કરી દેવામાં આવ્યો હતો.જે સાંસદ રંજનબેન ભટ્ટ સમયે પણ જારી રહ્યું હતું. પરંતુ નવી વરણી પછીથી પુનઃ સંગઠનનો ચંચુપાત વધી ગયાનું ચર્ચાય છે.