વડોદરા, તા.૧

કોરોના મહામારીના પગલે ૧૦ મહિના પછી પ્રથમ તબક્કામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ થયા બાદ આજથી ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે મંજૂરી આપવામાં આવી છે. જાે કે, મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી. ક્યાંક ચાર તો કેટલીક સ્કૂલોમાં તો એકપણ વિદ્યાર્થી આવ્યો નહોતો. તાજેતરમાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરાયા બાદ આજથી ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવતાં શહેર-જિલ્લાની મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી. સ્કૂલોમાં કોરોના મહામારીના કારણે સંમતિપત્ર તેમજ થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝેશન કર્યા બાદ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ શાળામાં ૨૧૦ જેટલી વિદ્યાર્થિનીઓની સંખ્યા સામે માત્ર ૩૬ વિદ્યાર્થિનીઓ પ્રથમ દિવસે શાળામાં આવી હતી. જ્યારે ધો.૧૧ની વિદ્યાર્થિનીઓને આવતીકાલે બોલાવવામાં આવી છે. જ્યારે અન્ય સ્કૂલોમાં ધો.૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી. જાે કે, ધો.૧૦ અને ૧રમાં પણ હજુ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવે છે. સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલના પ્રવેશદ્વાર પણ સેનિટાઈઝેશન તેમજ થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જ્યારે વર્ગખંડમાં પણ દરેક વિદ્યાર્થીઓને છ ફૂટના અંતરે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શાળામાં આવેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આજે ૧૦ મહિના પછી સ્કૂલમાં આવવાનો આનંદ થાય છે. ઓનલાઈન કરતાં ફિઝિકલી ક્લાસરૂમમાં ભણવાનું વધુ ગમે છે. કોઈ મુશ્કેલી હોય તો તરત જ તેનું નિરાકરણ મળી જાય છે. હવે કોરોનાનો ડર નથી. જાે કે, શાળામાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા માટે સ્કૂલવાન અને સ્કૂલરિક્ષા બંધ હોવાથી પણ અનેક વિદ્યાર્થીઓ આવી શક્યા નહીં હોવાનું કેટલાક શાળા સંચાલકોએ જણાવ્યું હતું. સ્કૂલવાન અને ઓટોરિક્ષા અંગે સરકારે કોઈ ગાઈડલાઈન બહાર પાડી ન હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી શક્યા નથી તેમ જણાવ્યું હતું.