અમદાવાદ-

આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનો રાજયભરમાં પ્રારંભ થયો છે જેમાં રાજકોટ જિલ્લાનાં ૧૩ પરીક્ષા કેન્દ્રોનાં ૧૨૦ બ્લોક પરથી ૨૨૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં લઈ એક કલાસમાં ૨૦ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા ત્યારે આજે સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કલ્યાણ હાઈસ્કુલ, માતૃમંદિર, પ્રિમીયમ સહિતના ૧૩ કેન્દ્રો પર ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓને પુરક પરીક્ષા બે સેશનમાં ૧૩ કેન્દ્રો પર ૨૨૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ, કલ્યાણ હાઈસ્કુલ, પ્રિમીયમ, ડી.એચ.રાઠોડ, બિલીયન્ટ, વી.જે.મોદી, સ્વસ્તિક, કિવન્સ, પરીમલ, સેન્ટમેરી, ડિવાઈન અને માતૃમંદિર અંગ્રેજી માધ્યમ સ્કુલ અને તપસ્વી સ્કુલમાં ૬ ઓકટોબર સુધી પરીક્ષા લેવામાં આવશે. આજે પ્રથમ દિવસે ૧૦:૩૦ વાગ્યે જીયોગ્રાફીનું અને બપોર બાદ ગુજરાતી અને અંગ્રેજી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. 

આ વખતે ફલાઈન સ્કોર્ડના બદલે ડીઈઓ અને કલેકટરની સંયુકત ટીમે ચેકિંગ કર્યું હતું. પરીક્ષા કેન્દ્ર પર માસ્ક, સેનેટાઈઝર અને થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોરોનાના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર બે કલાસ રીઝર્વ રાખવા સુચના આપી દેવામાં આવી છે અને ગઈકાલે તમામે તમામ ૧૩ બિલ્ડીંગો સેનેટાઈઝ થઈ ચુકયા છે.