ગાંધીનગર-

રાજ્યમાં હાલમાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં લોકોને ગરમીનો પ્રારંભ થશે. આગામી માર્ચ મહિનામાં અમદાવાદ સહિત રાજ્યમાં ૩૮થી ૪૦ ડિગ્રી સુધી પારો પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ તેમજ કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે. હિમવર્ષા અને બરફના લીધે જળશ્રોતનો પ્રવાહ પણ વધતો જશે. પહાડી પ્રદેશોની નદીઓમાં જળશ્રોત વધશે. તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેથી વધતી ઓછી અસર ૨૫ ફેબ્રુઆરી સુધી રહેશે. રાજ્યમાં ૨૩થી ૨૬ ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે. તા.૨૭ ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે. બરફવર્ષાના લીધે રાજ્યમાં સવારના સમયે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે.

૨૧ ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધશે, જે ૨૫ ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘણો વધારો થવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીથી પણ વધુ જવાની શક્યતાઓ હોવાનું હવામાન નિષ્ણાંતો તરફથી જાણવા મળ્યું હતું. આગામી ૪ માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને વિદર્ભના ભાગોમાં ૪૦ ડિગ્રી સુધી પારો જશે. સુરત, પંચમહાલ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાન ઉચકાશે. અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. વારંવાર પશ્ચિમી વિક્ષેપની શૃખંલાથી રાજ્યના હવામાનમાં પણ ઉતાર-ચડાવ, વાદળવાયું અને હવામાન કથળી જવાની પણ શક્યતાઓ રહેશે.

તા.૭ માર્ચથી ૯ માર્ચ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાન પલટાશે અને વાદળો જણાશે. માર્ચ માસમાં પણ દેશના ગણા ભાગોમાં વાદળવાયુ, કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. ઉત્તરાણય અને વસંત પંચમી બાદ સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરુ થવાની સાથે ઉનાળો જામવા લાગે છે. આ વર્ષે પણ માર્ચ આવતા-આવતા ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે. પાછલા વર્ષે લોકડાઉનના કારણે વાહન અને ફેક્ટરી સહિતના પ્રદૂષણ ફેલાવતી જગ્યાઓ બંધ હોવાના કારણે ગરમીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના લોકડાઉન પછી બધું રાબેતા મુજબ ધીમે-ધીમે શરુ થઈ ગયું છે ત્યારે આ વખતે ગરમી વધારે દઝાડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.