અમદાવાદ-

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને પગલે સ્થિતી વણસતી જાય છે ત્યારે હવે હાઈકોર્ટે હાલતનો ક્યાસ કાઢીને રાજ્ય સરકારની ઝાટકણી કાઢીને કોરોના ગાઈડલાઈન પ્રોટોકોલ, હોસ્પિટલોમાં દર્દીઓની હાલત તેમજ રેમડેસિવિર ઈન્જેક્શન્સ બાબતે ઝડપથી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. સરકારી તંત્ર દ્વારા સ્થિતી પર નિયંત્રણ મેળવાય એ બાબતે પણ કોર્ટ દ્વારા સૂચના અપાઈ હતી. 

સોમવારે સવારે શરૂ થયેલી ઓનલાઈન સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મનીષ લવકુમાર જોડાયા હતા. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે કહ્યું હતું કે લોકો દ્વારા કોવિડ પ્રોટોકોલનું પાલન થાય તેમજ સ્થિતીની ગંભીરતાને તેઓ સમજે એ જરૂરી છે. કોરોનાના લક્ષણો દેખાતાં ટેસ્ટ ફરજીયાત કરાવે એ જરૂરી હોવાનું પણ કોર્ટે કહ્યું હતું. કોર્ટે એ બાબતની તાકીદ કરી હતી કે, લોકો આ સમગ્ર બાબતે જાગૃત થાય એ જોવાની જવાબદારી સરકારની છે. 

જો કે, સરકારી વકીલે એવી દલિલ કરી હતી કે લોકોને જાગૃત કરવા એ સરકારની જવાબદારી નથી. આ લડાઈ લોકો અને કોરોના વચ્ચેની છે. આ બાબતે થઈ રહેલી દલિલો દરમિયાન એડ્વોકેટ જનરલ દ્વારા કહેવાયું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શન્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને મેડિકલક્ષેત્રના લોકો પ્રિસ્ક્રિપ્શન લખવામાં ધ્યાન રાખે.

એડ્વોકેટ જનરલે કહ્યું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શનના સાત ઉત્પાદકો છે અને તેની નિકાસ પર રોક લાગી ગઈ છે. આ ઈન્જેક્શનનો ઉપયોગ તાકીદની સ્થિતીમાં જ કરવાનો હોય છે. ઘણી હોસ્પિટલો આ ઈન્જેક્શનોનો ભાવ વધારે લે છે. દરેક દર્દીને ઈન્જેક્શનની જરૂર નથી અને ગુજરાત સરકાર  7 ઉત્પાદકો પાસેથી 25 થી 30 હજાર ઈન્જેક્શનો લે છે. અછતને કારણે ઈન્જેક્શનના કાળાબજાર થઈ રહ્યા છે. એડ્વોકેટ જનરલે કહ્યું હતું કે, ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ એ રાજ્ય સરકારનો મંત્ર છે. 

એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટિંગની ક્ષમતા વધારી દેવાઈ છે. ખાનગી લેબોરેટરીઓ વધારી દેવાઈ છે અને 70 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે સરકારના પ્રયાસોથી ઝાયડસ કેડિલાએ રેમડિસિવિર ઈન્જેક્શન્સના ભાવો પણ ઘટાડી દીધા છે જેથી સામાન્ય માણસને વ્યાજબી ભાવે ઈન્જેક્શન્સ મળી રહે. તેમણે ઉમેર્યું કે, 141 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પટલ તરીકે જાહેર કરાઈ છે. તેમના કહેવા પ્રમાણે રાજ્યમાં કુલ 71021 બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં આજે 1127 કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો કાર્યરત છે. 

સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શન્સ વિતરણ બાબતે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય માણસને મદદરુપ થઈ શકાય એવો જ તેની પાછળ હેતુ હતો.