વડોદરા-

રાજ્યના ખેડૂતોને રાતના ઉજાગરામાંથી મુક્તિ અપાવતી કિસાન સૂર્યોદય યોજનાનો વાઘોડીયા તાલુકાના ૭૦ ગામોમાં શુભારંભ કરાવતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ખેડૂતોને દિવસે વીજળી આપતું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ માટે રાજ્ય સરકારે કિસાન સુર્યોદય યોજના અમલી બનાવી છે. જેની પાછળ વીજ આંતરમાળખુ ઉભુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા માતબર રૂ.૩૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આમ, રાજ્યના ખેડૂતોની માગ સંતોષી રાતના ઉજાગરા, વન્ય પ્રાણીઓ અને ઝેરી જનાવરના ભયમાંથી ખેડૂતોને મુક્તિ અપાવી છે.

વાઘોડીયાના એન. જી. હાઈસ્કૂલના પરિસરમાં કિસાન સુર્યોદય યોજનાના લાભાર્થી ખેડૂતોને સંબોધિત કરતા ઉર્જા મંત્રી પટેલે જણાવ્યું કે, વિકાસના મંત્ર સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારે ખડુતોને પ્રતિ વીજ જોડાણ રૂ.૧.૬૦ લાખની સબસીડી આપી રહી છે. જે મુજબ રાજ્ય સરકાર રાજ્યના તમામ ખેડૂતોને દર વર્ષે વીજ જોડાણ પાછળ રૂ. ૧૮૦૦ કરોડ અને વીજ વપરાશ માટે રૂ. ૭૫૦૦ કરોડની સબસીડી આપી રહી છે. 

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર વીજ ક્ષેત્રમાં આપેલી રાહતથી ખેડૂતોના ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે. જેથી પ્રધાનમંત્રી મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પણ વેગ મળશે. કોંગ્રેસના રાજમાં વીજ જોડાણ મેળવવા માટે દાયકા સુધી રાહ જોવી પડતી ત્યારે ભાજપાની સરકારે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને ઝડપભેર વીજ જોડાણ આપ્યા છે. 

વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી, એટલે દિવસે વીજ પુરવઠો આપવા નવા સબ સ્ટેશન, નવી લાઇન, વીજ ઉત્પાદન સહિતની વ્યવસ્થા કરવી પડે છે. આવી પહેલ સમગ્ર દેશમાં ગુજરાત સરકારે કરી છે. ત્યારે વાઘોડિયા તાલુકાના ખેડૂતો નસીબદાર છે કે, કિસાન સુર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં જ લાભ મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ૪૦૦૦ ગામોને પ્રથમ તબક્કામાં અને રાજ્યના અન્ય ૧૪૦૦૦ ગામોને તબક્કાવાર દિવસે વીજળી પહોંચાડવામાં આવશે.

એક સમયે રાજ્યમાં ગામડાંઓમાં રોડ રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદી અને હાલના મુખ્યમંત્રી  વિજય રૂપાણીની પ્રજાલક્ષી નીતિના લીધે રાજ્યની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. આમ, તમામ ક્ષેત્રોને પ્રાધન્ય આપી રાજ્યનો સર્વાંગી વિકાસ સાધવામાં આવ્યો છે. જેના પગલે સમગ્ર દેશમાં ગુજરાત વિકાસનુ મોડલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તેમ પટેલે ઉમેર્યું હતુ. રાજ્યના ૧૮૦૦૦ ગાંમડાઓમાં ૨૪ કલાક વીજળી આપવાનો સંકલ્પ તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કર્યો હતો. જેને સાકાર કરવા રાજ્ય ઉર્જા વિભાગે ૧૦૦૦ દિવસ સખત પરિશ્રમ કરી અને ૨૦ લાખ વીજ થાંભલા ઉભા કરીને જ્યોતીગ્રામ યોજનાને સાકાર કરી છે. આ યોજનાના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રોનો વિકાસ થવાની સાથે રોજગારીના અવસર ઉપલબ્ધ થયા છે. તેમ પટેલે ગૌરવભેર જણાવ્યું હતું.