વડોદરા, તા.૯

સ્ટેટ જીએસટી વિભાગે વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લામાં સપાટો બોલાવતાં વડોદરામાં ૧૦, ભરૂચ, આણંદ, નડિયાદ અને અંકલેશ્વરમાં ૧૧ મળીને ર૧ બોગસ પેઢી પકડી પાડી હતી. આ ર૧ પેઢી દ્વારા રૂા.૨૭૦,૧૯,૫૭,૦૫૪ના બોગસ બિલો ઈશ્યૂ કરાયાં હતાં, જેના દ્વારા રૂા. ૩૯,૦૬,૨૦,૮૦૭ના વેરા શાખ ખોટી રીતે મેળવી લીધી હોવાની વિગતો બહાર આવી છે. જીએસટી વિભાગ દ્વારા હવે બોગસ પેઢી ઊભી કરનાર અને તેને સંચાલિત કરનારની ધરપકડ સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ તમામ સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વડોદરા વિભાગ-પ અને વડોદરા વિભાગ-૬ દ્વારા વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આણંદ અને નડિયાદમાં સપાટો બોલાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વડોદરામાં ૧૦ અને અંકલેશ્વરમાં એક ઉપરાંત ભરૂચ, આણંદ અને નડિયાદના ૧૦ બોગસ પેઢી મળી આવી હતી.

સ્ટેટ જીએસટી વિભાગના વડોદરા વિભાગ-પ ના અધિકારીઓની ટીમે હાથ ધરેલી તપાસમાં ૧૦ બોગસ પેઢી મળી આવી હતી. આ પેઢીના દસ્તાવેજાે બનાવટી અને તેનો દુરુપયોગ આ પેઢીઓમાં કરાતો હતો. તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ મળી આવી ન હતી. તેઓની શોધખોળ હાથ ધરાઈ છે. જાે કે, વડોદરામાં મળી આવેલી આ ૧૦ બોગસ પેઢીઓ દ્વારા રૂા.૮૨,૮૭,૪૭,૧૭૫ બિલો ઈશ્યૂ કરીને રૂા.૧૪,૬૬,૯૪,૯૮૩ની વેરા શાખ પાસ-ઓન કરી હતી. બોગસ પેઢી ઊભી કરીને છેતરપિંડી કરીને ખોટી રીતે વેરા શાખ મેળવનારા રિયલ ટેક્સપેયર એટલે કે બેનિફિશયરી સુધી જીએસટી સિસ્ટમથી પહોંચી શકાય છે. જેથી જીએસટી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી રીતે વેરા શાખ ભોગવનારા પાસેથી વેરાની વસૂલાત તથા પેઢીઓ ઊભી કરનાર અને તેનું સંચાલન કરનાર સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરાશે.

જ્યારે વડોદરા વિભાગ-૬ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં એક અને ભરૂચ, આણંદ અને નડિયાદમાં ૧૪ પેઢીઓની તપાસ કરી હતી.

જેમાં ૧૧ બોગસ પેઢી મળી આવી હતી. તપાસમાં આ પેઢીઓના દસ્તાવેજાે બનાવટી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ બોગસ પેઢીઓ દ્વારા રૂા.૧૮૭.૩૨ કરોડના બોગસ બિલો ઈશ્યૂ કરીને રૂા.૨૩,૪૧,૨૯૩ની વેરા શાખ પાસ-ઓન કરી હતી. જીએસટી વિભાગ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરી બોગસ બિલો ઈશ્યૂ કરીને ખોટી રીતે વેરા શાખ પાસ-ઓન કરનાર પાસે વેરાની વસૂલાત અને ધરપકડ સહિતની કડક કાર્યવાહી હાથ ધરી છે. જાે કે, બોગસ બિલીંગમાં મળી આવેલી પેઢીઓ તમામ સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. સ્ક્રેપ પર ૧૮ ટકા જીએસટી છે.