રાજપીપળા 

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૭ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું.એ દિવસે પ્રવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અંદાજિત બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું.ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસને કારણે જે પ્રવાસી ઓનલાઇન ટિકિટ બુક કરશે એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ મળશે, ઓફ લાઈન ટીકીટ બુકીંગ સદંતર બંધ રખાયું છે. હવે ફરીથી આગામી ૨૭ મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરી દેવાનો તંત્રએ ર્નિણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ૨૭ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરી રાખવામાં આવશે ૨ નવેમ્બરે સોમવાર હોવાથી ૩ નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જંગલ સફારી પાર્કને હાલમાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે તેને ૨૧ તારીખથી બંધ કરી દેવામાં આવે એવી શક્યતા છે. કોરોના વાઈરસના કારણે ૬ મહિના બાદ સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા હાલમાં પ્રવાસીઓનો ધસારો થઈ રહ્યો છે.ગત સિઝનની વાત કરીએ તો ગત સિઝનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા પરંતુ આ વખતે છ મહિના જેટલા સમય સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહ્યું છે.તો એક અંદાજ મુજબ ૧૫ લાખથી વધુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.