વડોદરા,તા.૨૨  

વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર અને શાસકો પાણીના સુશાસનને માટે છેલ્લા કેટલાક વર્ષોથી વિપક્ષના આક્ષેપ મુજબ ગોઠવણો કરીને પાણીના શ્રેષ્ઠ મેનેજમેન્ટનો પ્રથમ ક્રમનો એવોર્ડ લઇ આવે છે. પરંતુ હવે જાણે કે પાલિકાના શાસકો સંસ્કારી નગરી વડોદરાને ખાડોદરા નગરીનો વગર ગોઠવણે દેશમાં પ્રથમ ક્રમે એવોર્ડ અપાવવાને માટે વિકાસ યાત્રા જારી રાખી હોય એવો આભાસ શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના નાગરિકોને થઇ રહ્યો છે.

જેને લઈને આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પરનો ખાડો છેલ્લા બે-બે વર્ષથી ન તો પુરવામાં આવે છે,ન તો એને સરખો કરવામાં આવે છે. જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો અને મહત્તમ સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે. આ બાબતે છેલ્લા બબ્બે વર્ષથી વારંવાર ફરિયાદો કરવા છતાં પાલિકાના અધિકારીઓ, શાસકો અને કામગીરી કરી આ જગ્યાનો ખાડો યથાવત રાખનાર ઇજારદારના પેટનું પાણી હાલતું નથી. જેને લઈને સ્થાનિક નાગરીકોમાં આક્રોશ ફેલાયો છે.

આ ખાડાને લઈને અવારનવાર વાહન ચાલકો અને રહીશો અકસ્માતનો ભોગ બન્યા છે. તેમજ આ સ્થળે પાલિકા તંત્ર દ્વારા જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દેવાને માટે કામ ચાલુ છે.રસ્તો બંધ છે.વાહનો ધીમે હાંકો એવું બોર્ડ લગાવીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવ્યા છે. જેને લઈને પણ આ વિસ્તારની પ્રજામાં રોષ પ્રવર્તી રહ્યો છે.

બબ્બે વર્ષથી ખાડાને લઈને હેરાન પરેશાન થઇ રહેલ પ્રજા હવે આ ખાડો સત્વરે પાલિકા દ્વારા પુરવામાં આવે એમ ઇચછી રહી છે. જો એને તાકીદે પૂર્ણ કરવામાં આવશે નહિ તો આ વિસ્તારની પ્રજા પાલિકાના અંધેર વહીવટ સામે અને શાસકોની આંખ ખોલવાને માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરનાર છે. આ માટે પાલિકાની જે તે વોર્ડની કચેરીએ અને પાલિકાની મુખ્ય કચેરી સમક્ષ દેખાવો પણ યોજવામાં આવશે. એમ પીડિત નાગરિકો જણાવી રહયા છે.

આ અધૂરી કામગીરી કરનાર ઇજારદાર સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એમ રહીશો ઇચછી રહયા છે. આ ખાડાને લઈને સામી ચૂંટણીએ શાસકોને માટે આગામી દિવસોમાં લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાશે એવી ગર્ભિત ચીમકી પણ સ્થાનિક રહીશો ઉચ્ચારી રહયા છે.