વડોદરા : ઑનલાઈન અભ્યાસ માટે લેપટોપ લેવાની જીદે ચઢેલી ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીએ તાત્કાલિક વાલી પાસે લેપટોપની માગણી કરી હતી. જાે કે, માતા-પિતાએ એકાદ અઠવાડિયા પછી લઈ આપવાનું જણાવતાં તેણીની આવેશમાં આવી ગઈ હતી અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 

આ અંગે મળતી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના તરસાલી શરદનગરમાં રહેતા બાબુભાઈ પરમાર તેમની પત્ની કુસુમબેન, પુત્રી કૃતિ સહિતના પરિવાર સાથે રહે છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી સેવાનિવૃત્ત થયા હતા, જ્યારે તેમની પત્ની કુસુમબેન પરમાર સયાજી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે, જ્યારે પુત્રી કૃતિ (ઉં.વ.૧૭) ધો.૧૧ સાયન્સમાં તરસાલી ખાતે આવેલ જીવનસંસ્કાર સ્કૂલમાં અભ્યાસ કરે છે. લૉકડાઉનમાં છેલ્લા ૧૧ મહિનાથી સ્કૂલો બંધ હોવાથી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઑનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જેથી તમામ વિદ્યાર્થીઓ ઑનલાઈન મોબાઈલ અને લેપટોપ ઉપર અભ્યાસ કરી રહ્યા છે. તરસાલીના શરદનગરમાં રહેતી વિદ્યાર્થિની કૃતિ પરમારે ઑનલાઈન અભ્યાસ માટે તેણીએ તેના માતા-પિતા પાસે લેપટોપની માગણી કરી હતી. માતા-પિતાએ લેપટોપ એક અઠવાડિયામાં લાવી આપવાની માટે આશ્વાસન આપ્યું હતું. જેથી વિદ્યાર્થિનીની ધીરજ ખૂટી જતાં તેણીની આવેશમાં આવી ગઈ હતી અને ગત તા.ર૯મી ડિસેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જેથી તેણીને સારવાર માટે માંજલપુર ખાતેની ખાનગી ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીની હાલત નાજુક બનતાં વધુ સારવાર માટે ગઈકાલે સયાજી હોસ્પિટલમાં રિફર કરાઈ હતી, જ્યાં વિદ્યાર્થિની કૃતિનું મોત નીપજ્યું હતું. આપઘાતના બનાવની જાણ મકરપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે બનાવ સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી.