અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને ધોરણ 11ની સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 9થી 12ના ટ્યુશન ક્લાસિસને પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે, તેમને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ સિવાયના કોઈપણ પ્રકારના ક્લાસિસને મંજૂરી આપવામાં આવી નથી.

આ બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસામાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ટ્યુશન ક્લાસિસ પણ ધોરણ 9થી 12ના જ શરૂ કરવા મંજૂરી આપી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. ટ્યુશન સંચાલકોએ પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ધોરણ 9-10-11-12 આ ચાર ધોરણ સિવાય અન્ય ધોરણ માટે ટ્યુશન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સમરસ હૉસ્ટેલોને કોવિડ માટે ખાલી કરવામાં આવી હતી તેને ફરી શરૂ કરવા મામલે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રિપોર્ટ આપશે બાદમાં નિર્ણય લેવાશે. ઘણા વિદ્યાર્થીઓ બહારગામથી આવતા હોવાથી ચકાસણી બાદ હૉસ્ટેલો શરૂ કરાશે.