ભરૂચ, હાલ ચાલી રહેલ કોરોના કાળમાં પણ પોલીસ છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરના વિવિધ પોઈન્ટ્‌સ ઉપર ગોઠવાઈ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા સાથે પ્રજા પાસે માસ્કની ચુસ્ત અમલવારી કરાવી માસ્ક વિના ફરતા વાહન ચાલકો સહિતનાઓને દંડ ફટકારી રહી છે. ત્યારે રવિવારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક સિવિલ ડ્રેસમાં અને અડધા-પડધા પહેરેલા માસ્ક સાથે ધસી આવી ફ્રુટની લારીઓ પર દંડાવાળી કરી આતંક મચાવ્યો હોવાના વાઇરલ થયેલા વિડીયોના પગલે લોકોમાં પોલીસ કાર્યવાહી સામે રોષ ફેલાયો છે. 

કોરોના કાળના આરંભે લોકડાઉન અને અનલોકમાં પોલીસે પ્રજાના મિત્ર તરીકે રહી આ મહામારીમાં સારી કામગીરી બજાવી હતી. જાેકે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચમાં પણ વિવિધ સ્થળોએ સવાર-સાંજ ઉભા રહી પ્રજાને માસ્કની અમલવારીના કડકાઇથી પાલન કરાવવા સાથે માસ્ક ન હોય, માસ્ક અડધો પહેરેલો હોય તો કડકાઈથી દંડ ઉઘરાવાતા લોકોમાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ઉભી રહેતી ફ્રુટની લારીઓ પાસે જઈ પેટિયું રળવા ઉભા રહેલા લારી ધારકો પર યુનિફોર્મ વગર અને અડધા-પડધા માસ્કવાળા પોલીસકર્મીએ દંડાવાળી કરતા વિડીયોએ લોકોમાં ભારે નારાજગી ફેલાવી છે. સિવિલ ડ્રેસમાં રહેલા અને પોતે માસ્ક મોઢા ઉપર ઢંગથી પણ ન પહેરનાર પોલીસ કર્મીએ લારીઓ વાળા પર પોતાના દંડાનું જાેર બતાવતા પશ્ચિમ વિસ્તારમાં પોલીસની આ નિતિ સામે નારાજગી પ્રવર્તી છે.