મુંબઈ -

મુંબઈ શેરબજારમાં આજે મંદીનો ઝોક રહ્યો હતો હેવીવેઈટ શેરોમાં નફારૂપી વેચવાલીની અસરે સેન્સેકસમાં 180 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થયા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નીકળતા જ માર્કેટ રેડઝોનમાં આવી ગયુ હતું. કોરોના સામે ઉદ્યોગ ક્ષેત્ર માટે કેન્દ્ર સરકારે રાહત પેકેજ જાહેર કર્યુ હોવા છતા કોઈ સાનુકુળ પડઘો પડયો નહતો.

વિદેશી નાણાસંસ્થાઓ કેટલાંક દિવસોથી સતત માલ વેચતી હોવાથી ખચકાટ હતો.જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે માર્કેટ રેકોર્ડબ્રેક ઉંચાઈએ તથા વધુ પડતા લેણની સ્થિતિમાં હોવાના કારણોસર ઉંચા ભાવે નવી ખરીદીમાં સાવચેતી છે બાકી અંડરટોન પ્રોત્સાહક જ ગણવામાં આવતો હતો. શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં નરમાઈ હતી ઓએનજીસી, ઈન્ડીયન ઓઈલ, હિન્દાલકો, કોલ ઈન્ડીયા, કોટક બેંક, ટીસ્કો, સ્ટેટ બેંક, ટેક મહીન્દ્રા, એકસીસ બેંક, બજાજ ઓટો, ઈન્ફોસીસ આઈસીઆઈસીઆઈ બેંક, મારૂતી વગેરે તૂટયા હતા. પાવરગ્રીડ, સીપ્લા, હિન્દ લીવર, એનટીપીસી, રીલાયન્સ, એશીયન પેઈન્ટસ નેસલેમાં સુધારો હતો.