અમદાવાદ-

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે તેજીની હેટટ્રિક થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે છ મહિનાની ઊંચાઈએ બંધ રહ્યા હતા. 27 ફેબ્રુઆરી પછી પહેલી વાર નિફ્ટી 11,400ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 86 પોઇન્ટ વધીને 38,615ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 23 પોઈન્ટ વધીને 11,408 પર બંધ થયો હતો. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ઓગસ્ટમાં નિફ્ટી અત્યાર સુધી પાંચ ટકા વધ્યો હતો. મિડકેપમાં પણ લાલચોળ તેજી થઈ રહી છે. મિડકેપ ઇન્ડેક્સ 8.75 ટકા તેજી થઈ છે. સ્મોલકેપમાં પણ તેજી થઈ હતી.

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલે ચેન્નઈ સ્થિત વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને એની સબસિડિયરી નેટમેડ્સમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નેટમેડ્સમાં 60 ટકા હિસ્સો આશરે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જેની બજારના સેન્ટિમેન્ટ પર પ્રોત્સાહક અસર પડી હતી.

નિફ્ટી 50ના 28 શેરો તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે 22 શેરો ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં 14 શેરો તેજી સાથે અને 16 શેરો નરમ બંધ રહ્યા હતા. NSE પર 1532 શેરો તેજીમાં હતા, જ્યારે 797 શેરોમાં નરમીઈ હતી. BSE પર 1790 શેરો તેજી સાથે અને 1000 શેરો મંદી સાથે બંધ થયા હતા.