મુંબઈ-

કોરોના કાળ બાદ હવે દેશમાં અર્થતંત્રની ગાડી પાટે ચડી પુરઝડપે દોડવા લાગી છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. દશેય દિશામાંથી સાનુકુળ વાતાવરણ સર્જાવાના કારણે મુંબઈ શેરબજારના આગેવાન ઈન્ડેક્ષ સેન્સેક્સની 60,000 તરફ અને નિફટીની 18,000ની સપાટી હાસલ કરવા તરફ જોરદાર આગેકુચ જોવા મળી રહી છે. સપ્તાહના અંતિમ સેશનમાં આજે બજાર તોતિંગ ઉછાળા સાથે ખુલ્યું હતું અને સેન્સેક્સ તથા નિફટીએ સર્વોચ્ચ સપાટી હાસલ કરતા રોકાણકર્તાનો ઉત્સાહ બેવડાયો હતો. આવતા બે સપ્તાહમાં સેન્સેક્સ 60,000ની સપાટી ઓળંગે તેવી સંભાવના ઉભી થવા પામી છે. રોજે રોજ જે રીતે બજાર સર્વોચ્ચ સપાટી હાસલ કરી રહ્યું છે તેનાથી રોકાણકારોમાં પણ નવા ઉત્સાહનો સંચાર થઈ રહ્યો છે.

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો,

નિફટી પણ 140 પોઈન્ટથી વધુ ઉંચકાઈ: ડોલર સામે રૂપિયો મજબૂત

અર્થતંત્ર ટનાટન થઈ રહ્યું હોવાના કારણે ભારતીય શેરબજારની ગાડી પુરપાટ દોડી રહી છે. છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ચાલી આવતી વણથંભી તેજી દિન-પ્રતિદિન સતત વેગવંતી બની રહી છે. સેન્સેક્સ અને નિફટી રોજ નવા શિખરો સર કરી રહ્યાં છે. બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત બની રહ્યો હોવાના કારણે તેજીને બળ મળી રહ્યું છે. આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફટીએ સર્વોચ્ચ શિખરો હાસલ ર્ક્યા હતા. સેન્સેકસે 59668.37નો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો જ્યારે નિફટી પણ 17,774.95ની સર્વોચ્ચ સપાટીને આંબવામાં સફળ રહી હતી.