અમદાવાદ,તા.૧૭

કાલુપુર રેલવે સ્ટેશનમાં ચોરી, લૂંટ, સ્નેચિંગના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે જેને રોકવા સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે ત્યારે ટ્રેનમાં બિનઅધિકૃત રીતે ખાણી પીણીની ચીજવસ્તુઓ વેચતા લોકો ઉપર પણ રેલવે તંત્રએ લાલ આંખ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોને હેરાનગતિ થાય તે રીતે જાેરજાેરથી બૂમો પાડીને ખાણી પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા દસ ફેરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનમાં ફેરિયાની ખાણી પીણીની ચીજ વસ્તુઓ વેચવા માટે પરમિશન આપવામાં આવતી હોય છે. પોલીસે જે દસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તેમની પાસે રેલવે તંત્રની પરમિશન નથી.

ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ચા, પાણી, નાસ્તો, રમકડાં, કપડાં વેચવા માટે ફેરિયા આવતા હોય છે. આ ફેરિયાઓ પોતાનો ધંધો કરવા માટે મોડી રાતે ટ્રેનમાં બૂમાબૂમ કરતા હોય છે. જેના કારણે પેસેન્જરોની ઊંઘ ખરાબ થતી હોય છે. દિવસે પણ પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડે તે રીતે ફેરિયા બૂમાબૂમ કરે છે. ફેરિયાએ ધંધો કરવા માટે પોતાની હદ પણ નક્કી કરી લીધી છે. જેના કારણે ધંધાકીય અદાવત ઊભી થાય નહીં. રેલવે સ્ટેશનમાં ચા, પાણી, નાસ્તો કે પછી કોઇ પણ ચીજવસ્તુ વેચવી હોય તો તંત્ર તેમજ પોલીસની મંજૂરી લેવી પડતી હોય છે. રેલવે તંત્રની મંજૂરી વગર રેલવે સ્ટેશનમાં કે પછી ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરવું ગુનો બને છે તેમ છતાંય કેટલાક લોકો બિનધાસ્ત વેચાણ કરે છે.

રેલવે સ્ટેશનને ક્લિન કરવા માટે પોલીસ એક્શન પ્લાન બનાવી રહી છે, જેના ભાગરૂપે એક સ્પેશિયલ ડ્રાઇવ રાખી છે. જેમાં ગેરકાયદે ટ્રેનમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. રેલવે પોલીસે ૨૪ કલાકમાં એક મહિલા સહિત ૧૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.