વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા સમયાંતરે સતત મળતી સત્તાના જોરે શાસકો દ્વારા દલા તરવાડીની નીતિ અપનાવીને સદસ્યોને ચાર લાખ સુધીનો તબીબી સારવારનો ખર્ચ આપવાનો બહુમતીના જોરે ર્નિણય લેવામાં આવ્યો હતો. જેને લઈને વખતો વખત અઢી લાખથી શરુ કરાયેલ આ સારવાર ખર્ચમાં ઉમેરો કરીને એ સહાયની રકમને ચાર લાખ સુધી લઇ જવાઈ હતી. જેમાં ગંભીર રોગની સારવાર ઉપરાંત છેલ્લે કોરોના આવ્યા પછીથી એની સારવારનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. જેનો સૌથી વધુ પૂર્વ અને વર્તમાન સદસ્યોએ લાભ ઉઠાવીને લાખો રૂપિયાના સારવારના ખાનગી હોસ્પિટલોના બીલો પ્રજાના વેરાના નાણાંમાંથી ચૂકવાય હતા. જેને લઈને ભારે વિવાદ થવા ઉપરાંત સરકાર સુધી આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને સરકારે પાલિકાની સ્થાયી સમિતિ અને સામાન્ય સભાને આદેશ કરીને જણાવ્યું છે કે ચૂંટાયેલા સદસ્યોને આવી કોઈપણ પ્રકારની આર્થિક સહાયતા આપવી જોઈએ નહિ. તેમજ જે ઠરાવ કરવામાં આવ્યો છે. એને રદ્દ કરવામાં આવે. એને લઈને હડકંપ મચી જવા પામ્યો છે. આ પ્રકારની સહાય બીપીએમસી એક્ટના ભંગ બરાબર હોવાનું સરકારે પાલિકાને જણાવ્યું છે. જેને લઈને સદસ્યોને સારવારને માટે સહાય કરવાની બાબતને લઈને વિવાદ સર્જાયો છે. વર્ષ ૨૦૦૩માં પાલિકા દ્વારા હૃદય રોગ, કિડની પ્રત્યારોપણ, કેન્સર અને અન્ય પ્રાણઘાતક બીમારીઓને માટે અઢી લાખ રૂપિયાની મર્યાદામાં પાલિકાના પૂર્વ અને વર્તમાન સદસ્યોને સહાય આપવાનું ઠરાવ્યું હતું. જે મર્યાદા હાલમાં વધારીને ચાર લાખ સુધી કરાઈ છે. આ સંદર્ભમાં વર્ષ ૨૦૦૫માં રાજ્યના શહેરી વિકાસ વિભાગે પાલિકાને એક પત્ર લખ્યો હતો.જેમાં જણાવ્યું હતુંકે, બીપીએમસી એક્ટ ૧૯૪૯ અંતર્ગત આવી કોઈ જોગવાઈ નથી. કલામ ૧૯ એ મુજબ સદસ્યોને આવી સહાય આપવાને માટે સરકારની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. જેને લઈને ર્નિણયને રદ્દ કરવા જણાવ્યું છે. પાલિકા દ્વારા તાજેતરમાં જ ૧૧ પૂર્વ અને વર્તમાન સદસ્યોને ૧૮ લાખ જેટલી માતબર રકમ સારવારને માટે ચૂકવવા ર્નિણય લીધો છે. જે રાજ્ય સરકાર અને બીપીએમસી એક્ટના કાયદાના ભંગ બરાબર છે. જેને લઈને હવે બંને વચ્ચે વિવાદ સર્જાયો છે.