આણંદ, તા.૨૭  

આણંદ શહેરમાં કોરોના સંક્રમણની ગતિ ચિંતાજનક ઝડપે વધી રહ્યાંનું ચિત્ર જાવા મળી રહ્યું છે. આજે કોરોનાનો સકંજા આણંદ પર વધુ કસાયો હોય તેમ આણંદ શહેરમાંથી ૧૧ મળીને જિલ્લામાં કુલ ૧૪ કોરોના પોઝિટિવ કેસ એક જ દિવસમાં નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૨૨૧ને આંબી ગયો છે. જાકે, એવી ચર્ચા છે કે, હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતાં કેટલાંક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતાં નથી, આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, આજે પોઝિટિવ નોંદાયેલાં કેસોમાં ચિખોદરાના ૫૯ વર્ષના પુરુષ, આણંદની પેરેડાઇઝ સોસાયટી, રોયલ પ્લાઝા ખાતે રહેતાં ૬૧ વર્ષના પુરુષ, આણંદની રિલીફ ટાઉનશીપ ખાતે રહેતાં ૬૫ વર્ષના પુરુષ, ઇસ્માઇલ નગરમાં રહેતાં ૫૭ વર્ષના મહિલા, આણંદમાં ચાંગા નઝરાન પાન પાર્લર ખાતે રહેતાં ૬૦ વર્ષના પુરુષ, આણંદના સલાટીયા રોડ પર રહેતાં ૪૦ વર્ષના મહિલા, ખંભોળજના વનતામા ખાતે રહેતાં ૩૫ વર્ષના પુરુષ, આણંદના નુતન નગર ખાતે રહેતાં ૪૭ વર્ષના પુરુષ, આણંદના પોલસન ડેરી રોડ ખાતે રહેતાં ૫૮ વર્ષના પુરુષ, આણંદની શાલીમાર સોસાયટી ખાતે રહેતાં ૫૭ વર્ષના મહિલા, આણંદના જૂનાં દાદર ખાતે રહેતાં ૫૯ વર્ષના પુરુષ, આણંદના સાહિલ પાર્ક, મસ્જિદ પાસે રહેતાં ૫૫ વર્ષના પુરુષ, આણંદની ફેનીલ પાર્ક સોસાયટી ખાતે રહેતાં ૩૩ વર્ષ પુરુષ ઉપરાંત બોરસદના કુરેસી મોહલ્લા ખાતે રહેતાં ૬૦ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરમાં હડકંપ મચી ગયો છે.

આણંદ, બોરસદ, ખંભોળજમાં પાલિકા, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોએ સંબંધિત વિસ્તારમાં જઈ યુદ્ધના ધોરણે ડિસઇન્ફેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે આ વિસ્તારોને સીલ કરીને અવર-જવર રોકવામાં આવી હતી. આ બધા વિસ્તારોને સેનિટાઇઝ કરીને મેડિકલની ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે કોરોના પોઝિટિવ આવેલાં દર્દીઓના પરિવારજનો અને નજીકના સંપર્કમાં આવેલાં લોકોને ટ્રેસ કરીને તેમનો મેડિકલ ચેકઅપ શરૂ કરાયો હતો. જરૂરત જણાઈ ત્યાં સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યાં છે. આણંદમાં રોકેટ ગતિએ કોરોનાના કેસમાં છેલ્લાં એક અઠવાડિયામાં નોંધાયેલો ઉછાળો નગરજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આગામી દિવસોમાં હજુ નવાં કેસ બહાર આવવાની શક્યતા જાવાઈ રહી છે. લોકલ સંક્રમણ વધી રહ્યું હોવાના સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યાં છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં કોરોના ઝડપતી સંક્રમણ ફેલાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. વહીવટી તંત્રએ લઘુમતી વિસ્તારોમાં સરવેની કામગીરી તેજ કરવાની જરૂરત જણાઈ રહી છે.

ખંભાત પછી હવે આણંદ હોટસ્પોટ બન્યું

નોંધનીય છે, કે આણંદ જિલ્લામાં અગાઉ કોરોના હોટસ્પોટ તરીકે ખંભાતમાં ઉપરાછાપરી પોઝિટિવ કેસો બહાર આવતાં હતાં. આરોગ્ય સહિતના તંત્ર દ્વારા ખંભાતમાં સંક્રમણને અટકાવવા તેમજ તેનો જિલ્લામાં અન્યત્ર ફેલાવો ન થાય તે માટે કન્ટેન્ટમેન્ટ ઝોન, ડ્રોન, મેડિકલ સરવે સહિતની કામગીરી હાથ ધરી હતી. લોકડાઉનના સમયગાળા દરમિયાન જિલ્લાનું મુખ્ય મથક આણંદ શહેર કોરોના મુકત રહેવા પામ્યું હતું, પરંતુ અનલોક-૧ જાહેર થયાં બાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત સહિતના નિયમો.

અનલોક વનમાં જ આ હાલ છે તો અનકોલ ટુમાં શું થશે?

એક તરફ અનલોક વન પછી કોરોનાનો કકળાટ વધ્યો છે ત્યાં હવે અનલોક ટુ આવી રહ્યું છે. ૧ જુલાઈ પછી અનલોક ટુ શરૂ થવાનું છે. અનલોક ટુમાં વધું છુછાટની વાત થઈ રહી છે ત્યારે આણંદ શહેર અને જિલ્લા પર કોરોનાનું સંકટ વધી ગયું છે. આણંદ માટે અનલોક વનમાં છુટછાટ પછી મુશ્કેલીઓ વધી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હવે રોજગાર-ધંધાને વધુ સમય ખુલ્લા રાખવાની છૂટ મળ્યાં પછી આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો જાવા મળશે, તો એવી ચિંતા નવગરજનોમાં જાવા મળી છે.

હોસ્પિટલનો સરવે કરવામાં આવે તો આંકડો હજુ વધે?

હવે ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી છે. હોસ્પિટલમાં ટેસ્ટ અને સારવાર મોંઘી છે છતાં મધ્યમ અને સુખી પરિવારો ખાનગી હોસ્પિટલમાં છુટ મળ્યાં બાદ પોતાની સ્વાસ્થ્યની તપાસ કરાવવા બહાર નીકળ્યાં હોય તેવું લાગી રહ્યું છે. એક ચર્ચા મુજબ આ કારણે જ કોરોના પોઝિટિવ કેસોમાં ઝડપી વધારો થયો છે. આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલના કોરોના રિપોર્ટનો સરવે કરવામાં આવે તો હાલના આંકડા કરતાં પણ મોટો આંકડો બહાર આવે તેમ છે, એવું પણ કહેવાય છે.