વડોદરા,તા. ૩૧ 

કોરોનાને કારણે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા પરીક્ષાઓ ઓનલાઇન યોજવાનો ર્નિણય લેવાયો હતો. આવતીકાલે એટલે કે ૧ ઓગષ્ટથી વિદ્યાર્થીઓના મોકટેસ્ટ શરુ થવાના હોવા છતાં આજે સાંજ સુધી મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન એક્ઝામમાં ભાગ લેવા માટે જરૂરી આઈડી-પાસવર્ડ ન અપાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં યુનિ. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા મોડી સાંજે વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો. તેમને રોકવા માટે આવી પહોંચેલી વિજિલન્સ સાથે ઘર્ષણ પણ થયું હતું.

એમ.એસ. યુનિવર્સીટીમાં ભારે મનોમંથન બાદ ચાલુ વર્ષે ઓનલાઇન એક્ઝામ લેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પરંતુ ઓનલાઇન એક્ઝામ માટે તૈયાર કરાયેલ પોર્ટલમાં લોગ ઈન થવા માટેના આઈડી પાસવર્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કમ્પ્યયુટર સેન્ટર તરફથી વિદ્યાર્થીઓને એક્ઝામ પોર્ટલમાં લોગ ઈન માટેના આઈ-ડી પાસવર્ડ મોકલવામાં આવનાર હતા. જોકે, શનિવારથી વિદ્યાર્થીઓના મોક ટેસ્ટ શરુ થવાના હોવા છતાં શુક્રવારે મોડીસાંજ સુધી મોટાભાગના વિદ્યાર્થીઓને તેમના આઈ.ડી -પાસવર્ડ ન મળ્યા હોવાથી શુક્રવારે સાંજે વિદ્યાર્થી નેતા પાર્થ સુરતી, રાકેશ પંજાબી તથા કક્ષા પટેલ યુનિ. હેડ ઓફીસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજુઆત દરમ્યાન મામલો ઉગ્ર બનતા વિજિલન્સ સ્ટાફ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થી નેતા પાર્થ સુરતીના જણાવ્યા પ્રમાણે, શનિવારે ઓનલાઈન એક્ઝામ માટે મોક ટેસ્ટ લેવાનાર છે. તેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ પાસે લોગઈન આઈડી અને પાસવર્ડ આપવા જરૂરી છે. યુનિ.ની જાહેરાત પ્રમાણે ૨૯ જુલાઈના રોજ તમામ વિદ્યાર્થીઓને આઈડી પાસવર્ડ મળી જવાના હતા. પરંતુ મોક ટેસ્ટના આગળના દિવસ સુધી પણ સમસ્યા યથાવત રહેતા વિદ્યાર્થી નેતાઓએ હલ્લાબોલ કરવું પડ્યું હતું. જો કે ત્યાર બાદ યુનિ તંત્રએ મોડી રાત સુધી સમસ્યાનું નિરાકરણ લાવવાનું બાંહેધરી આપતા મામલો

થાળે પડ્યો હતો.