અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી સાથે જાેડાયેલા આઇડીએસઆર (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ) અને એરફોર્સ વચ્ચે એમઓયુ થયા છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિવિધ કોર્સ દ્વારા પાઇલોટની ટ્રેનિંગ લઇ શકશે. સાથે જ એરફોર્સના અધિકારીઓ યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરાવશે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સૈન્ય સાથે હવે એરફોર્સમાં જાેડાવવાની પણ તક મળશે. એરફોર્સમાં પાયલોટ બનવાની ટ્રેનિંગ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન અપાશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિફેન્સ માટેના વિવિધ શૈક્ષણિક કોર્સ શરૂ કરાયા છે. જેનો ફાયદો યુવા વિદ્યાર્થીઓ લઇ રહ્યાં છે. આવનારા સમયમાં ડિફેન્સની સાથે એરફોર્સમાં પણ ગુજરાતના યુવાનોને તક અને પ્રતિનિધિત્વમાં વધારો થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત સરકાર, ડીઆરડીઓ અને એર ફોર્સ વચ્ચે એમઓયુ થયા છે. એરફોર્સના અધિકારીઓ ડ્યૂટી લીવ સાથે યુનિ.માં અભ્યાસ માટે આવશે. આ માટે દરેક કોર્સમાં સીટો અનામક રખાશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓછી ફીમાં એરફોર્સ અને ડિફિન્સમાં કરિયર બનાવવાની તક મળશે. એરફોર્સ એવિએશન સાયન્સના વિવિધ કોર્સની ફી ૨૦ હજાર રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત યુનિવર્સિટી વિવિધ કોર્સમાં સીટોની મર્યાદા રાખશે નહીં. એટલે કે વધુ વિદ્યાર્થીને લાભ થાય તે પ્રકારે સીટોની સંખ્યાને મંજૂરી અપાશે. દરેક કોર્સમાં એરફોર્સના અધિકારી માટે અનામત સીટો રખાશે.

એમઓયુ પ્રમાણે યુનિવર્સિટીમાં એરફોર્સ એન્ડ એવિએશન સાયન્સ ઉપરાંત ચાર પ્રકારના કોર્સ શરૂ કરાશે. જેમાં પીએચ ડી, એમબીએ, માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો સમાવેશ થાય છે. એમબીએમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ નેશનલ સિક્યુરીટી, ડિફેન્સ મેનેજમેન્ટ. એમએસસી ઇન નેશનલ સિક્યુરિટી એન્ડ ડિફેન્સ સ્ટડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના ચાર કોર્સ શરૂ થશે. જેમાં કાઉન્ટર - ટેરરિઝમ સ્ટડી, સાયબર સિક્યોરિટી, જીયોપોલીટીક્સ એન્ડ મિલિટરી જીયોગ્રાફી, ડિફેન્સ એનાલિસીસ કોર્સ શરૂ થશે.