અરવલ્લી : કોવીડ-૧૯ના કારણે ધાર્મિક યાત્રા, પ્રવાસો, સ્કુલ પ્રવાસ, ફરવા લાયક સ્થળો કેટલાક મહિનાથી લોકડાઉનના કારણે બંધ રહ્યા હતા હજુ પણ લોકો કોરોનાના ડરે ઘરની બહાર પણ નીકળતા નથી. હાલ ઉનાળુ વેકેશન અને લગ્ન સરાની સિઝન પુરી થઇ ગઇ હોય ટ્રાન્સપોર્ટનો ધંધો સદંતર બંધ છે.જેના કારણે વ્યવસાયને થયેલ માઠી અસર બાબતે આપનું ધ્યાન દોરીએ છીએ. ધંધો બંધ હોવાથી અમોએ લીધેલા લોનના હપ્તાઓ પણ ભરી શકયા નથી. ડ્રાઇવર, કંડકટર, ઓફિસ સ્ટાફ અને અમારા પરિવારનું ભરણ પોષણ કરવું ખુબ મૂશ્કેલ હોય ત્યારે અમારી અમુક રજુઆતો અંગે યોગ્ય કરવા વિનંતી સાથે અરવલ્લી જિલ્લા લકઝરી બસ એસોસિએશનના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જિલ્લા લકઝરી બસ ઓનર એસો.ના ભાવેશ જયસ્વાલ સહીત સદસ્યોએ અધિક કલેકટર આર.જે.વલવીને આવેદનપત્ર આપી વિવિધ માંગ કરી હતી જેમાં વાહન ન ચલાવવું હોય તો નોન યુઝ મુકવા માટે જે એડવાન્સ ટેક્સ ભરવો પડતો હોય છે. આ પ્રથા નાબૂદ કરી વગર એડવાન્સ ટેક્સ ભરે વાહનને નોન યુઝ તરીકે સ્વીકારવામાં આવે, રોડ ટેક્સમાં એક વર્ષ સુધી રાહત આપવામાં આવે વાહન પર લીધેલી લોનના હપ્તા લોકડાઉનના કારણે ભરી શક્યા ન હોવાથી હપ્તા ભરવામાં અને વ્યાજમાં રાહત આપવામાં આવે તેમજ વાહનના વિમાની અવધિમાં ૬ મહિનાનું એકટેંશન આપવામાં આવે તેવી માંગ કરી હતી.