વડોદરા,તા.૭ 

એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને બી.કોમના પ્રથમ વર્ષમાં એડમિશન આપવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે ઓનલાઇન રાખવામાં આવેલી આ પ્રક્રિયામાં દરેક વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફી ભરવા માટેના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. યુનિવર્સીટીના નિયમો પ્રમાણે, સૌપ્રથમ મેરીટ લિસ્ટ બહાર પાડવું અનિવાર્ય છે, જ્યારબાદ જ વિદ્યાર્થીઓને ફી ચૂકવવાનું જણાવવામાં આવતું હોય છે. જોકે, આ વર્ષે હજુપણ મેરીટ લિસ્ટ બહાર પાડ્યા વગર જ યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા માટે મેસેજો મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ફી ભરવાની મુદ્દત ૧૨ ઓક્ટોબરના રોજ પૂર્ણ થતી હોવાથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઉભી થઇ છે. જેને કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ્‌સ યુનિયનના ભૂતપૂર્વ એફ.આર પંકજ જયસ્વાલ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.