વડોદરા

વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર વિપક્ષોના આક્ષેપ મુજબ સ્વચ્છતાને માટે કોલર ઉંચા રાખીને ફરી રહ્યું છે. પરંતુ શહેરનો એકપણ વિસ્તાર એવો નથી જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગંદકીના ઢગ ખડકાયેલા હોય નહિ. કે પછી આડેધડ કચરાનું ડમ્પિંગ પાલિકા તંત્રની મીઠી નજર હેઠળ થતું ન હોય. આવી જ બાબતથી ત્રસ્ત બનેલ જુના પાદરા રોડ પર આવેલ રિલાયન્સ મોલ પાછળના પ્રમુખસ્વામી નગર નજીક સંતોષીનગર ત્રણ રસ્તા પાસે થતા કચરાના ડમ્પિંગથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યાં છે. જેઓએ આ બાબતે તાકીદે પગલાં લેવાને માટે પાલિકાના વોર્ડ-૬ના વોર્ડ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે.આ વિસ્તારના અગ્રણીઓ અમિત પટેલ, અમૃતલાલ સોની અને મિહિર પ્રજાપતિ સહિતના રહીશો દ્વારા સચિત્ર કરેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે સંતોષનાગર ત્રણ રસ્તા પાસે આજુબાજુની સોસાયટીઓમાંથી આવતા જતા લોકો તથા આ સોસાયટીઓના સફાઈ કર્મચારીઓ કચરો ઠાલવીને જાય છે. જે પડ્યો પડ્યો કોવાય છે. તેમજ એમાંથી અસહ્ય દુર્ગંધ મારે છે. જેથી આ વિસ્તારમાં રહેનારા રહીશોને મોઢું ઢાકીને દુર્ગંધ વચ્ચેથી રોજે રોજ પસાર થવું પડે છે. આ કચરાનો પાલિકા દ્વારા સમયસર નિકાલ કરવામાં આવતો નથી. જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાથી મચ્છરજન્ય રોગો ફેલાય છે. જેથી અહીંથી પસાર થનારા આસપાસના રહેવાસીઓ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોની ઝપેટમાં આવી જાય છે. જે સ્થળે કચરો ઠલવાય છે. એને માટે મશીનરીનો ઉપયોગ થતો હોવાથી ખાડો પડી જાય છે. જેમાં પાણી ભરાતા મચ્છરોનું સ્થાન બની જાય છે. જેને લઈને આસપાસના મકાનોમાં રહેનારના ઘરમાં કાયમી ધોરણે બીમારી ઘર કરી જાય છે. આ સમસ્યાને લઈને તાકીદે આ કચરાના ડમ્પિંગ સ્થળને દૂર કરવાની માગ કરાઈ છે. આ પ્રશ્ને ઓનલાઇન વારંવાર ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ એનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. એવો આક્ષેપ કરાયો છે.