વડોદરા, તા.૧૯ 

ફી નિર્ધારણ સમિતિ દ્વારા ફી નક્કી કરી દેવામાં આવી હોવા છતાં શહેરની ઘણીબધી શાળાઓ જાતે નક્કી કરેલી ફી વસુલતી હોવાથી એફઆરસીની સાથે સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાથી વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશન દ્વારા આજે ફી નિર્ધારણ સમિતિના ચેરમેનને મળીને મનસ્વી રીતે ફી ની ઉઘરાણી કરી રહેલી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૭માં ખાનગી શાળાઓની ફી અંગેની બેફામ લૂંટને પહોંચી વળવા સરકાર દ્વારા ફી નિર્ધારણ અંગેનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બનાવવામાં આવેલી સમિતિઓ દ્વારા જે તે જિલ્લાઓની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવી હતી અને શાળાઓને તે જ પ્રમાણે ફી લેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ શહેરની કેટલીક શાળાઓ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યાં સુધી પોતે નક્કી કરેલી ફી વસૂલી રહી હતી. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ચુકાદો વાલીઓની તરફેણમાં આવ્યો હોવા છતાં આજદિન સુધી શહેરની ઘણીબધી શાળાઓ મનફાવે તેમ ફી વસૂલી રહી છે. જે ખરેખર એફઆરસીની સાથે સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અપમાન પણ કહી શકાય તેમ છે. આ ઉપરાંત સ્કૂલો દ્વારા લોકડાઉન દરમ્યાન રોજગાર-ધંધા ગુમાવી ચૂકેલા કે પછી તેમાં નુકસાન ભોગવી રહેલા વાલીઓ પાસેથી યેનકેન પ્રકારે ફી ની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાથી આજે વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા ફી નિર્ધારણ સમિતિના ચેરમેનને મળીને આ પ્રકારનું વલણ અપનાવી રહેલી શાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.