વડોદરા,તા.૮

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ત્રણ વર્ષ અગાઉ વારસિયા રિંગરોડ ઉપર આવેલ સંજયનગરના અંદાજે ૧૮૫૦ જેટલા કાચાપાકા આવાસો તોડી પાડવામાં આવ્યા હતા. આ અંદાજે ૧૬ લાખ ચોરસફૂટની જમીન એકપણ રૂપિયો જમા કરાવ્યા વિના બારોબાર બિલ્ડરને પીપીપી ધોરણે પધરાવી દેવામાં આવી હતી.જે સ્થળે બિલ્ડરે ત્રણ વર્ષમાં લાભાર્થીઓને મકાનો બનાવીને આપવાના હતા.જ્યાં સુધી મકાનો બને નહિ ત્યાં સુધી પ્રત્યેક લાભાર્થીને બે હજાર રૂપિયા લેખે ભાડું ચૂકવવાનું હતું.જો બિલ્ડર આ ભાડું સમયસર ન ચૂકવે તો એ ચુકવવાની પાલિકાની જવાબદારી બને છે.તેમ છતાં બિલ્ડરે આ લાભાર્થીઓને પાંચ પાંચ માસથી ભાડું ચૂક્યું નથી.તેમ છતાં પાલિકાએ કોઈપણ પ્રકારના પગલાં ન લેતા લાભાર્થીઓ દ્વારા પાલિકાના કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.જેને લઈને સંજયનગરના લાભાર્થીઓ લોકડાઉનના સમયમાં અત્યંત વિકટ આર્થિક સ્થિતિમાં મુકાઈ ગયા છે.આને લઈને અંદાજે દશ હજાર લોકોની સ્થિતિ કફોડી બની છે.જેમાં મોટા ભાગના રોજ કમાઈને રોજ ખાનારાઓ છે.આ લાભાર્થીઓને બિલ્ડર દ્વારા ૩૨૪ ચોરસ ફૂટના ફ્‌લેટ આપવાના છે.પરંતુ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં બિલ્ડર દ્વારા હજુ સુધી આવાસો બનાવી આપ્યા નથી.જેને લઈને લાભાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તેઓએ માગણી કરી છે કે જો બિલ્ડર ન બનાવી શકે એમ હોય તો પાલિકા પોતે પ્રોજેક્ટ હાથમાં લઈને પૂર્ણ કરે.