મહુધા : મહુધાના ડડુસરના ખેડૂત દ્વારા ડાંગરનાં જાણીતી કંપનીનાં બીયારણની વાવણી કરતા ડાંગર પાક પર આવ્યાં બાદ તમામ છોડવાની ઊંચાઇ અને જાતમાં ફેરફાર જાેવાં મળતાં બાયર કંપની સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી. 

ડડુસરના ખેડૂત ઉમેશભાઇ પરમાર દ્વારા મહુધા ખાતે એગ્રોની દુકાનેથી જાણીતી કંપનીનું ડાંગરનુ બીયારણ લીધુ હતુ. તેનું ધરું ઉછેરી પોતાના ૨૬ વિઘા ઉપરાંતના ખેતરમા સીઝન પ્રમાણે તેની વાવણી કરવામાં આવી હતી. તેઓએ પાકની માવજત માટે વિવિધ દવા સહિત ખાતર તેમજ નીંદામણનો મસમોટો ખર્ચ કર્યો હતો. જાેકે, થોડાં દિવસ પહેલાં તેઓના ખેતરમાં ડાંગરના કેટલાંક છોડવા ઊતારા માટે તૈયાર થઈ ગયાં હતાં, જ્યારે કેટલાંક છોડ હજી પણ તૈયાર થયાં ન હતાં. જેમાં છોડની ઊંચાઇમાં પણ ઘણો ફેરફાર જાેવાં મળ્યો હતો. ઉમેશભાઇ દ્વારા મહુધા એગ્રો એજન્સીના દુકાનદારને સમગ્ર મામલે જાણ કરી હતી. દુકાનદાર દ્વારા કંપનીને ખેડૂતે બીયારણ મામલે કરેલી ફરિયાદ અંગે વાકેફ કરવામાં આવ્યાં હતાં. જેને લઈ કંપનીના એરિયા મેનેેજર સહિત રાજ્યકક્ષાના રિસર્ચ સેંટરના બે અધિકારીઓએ પણ તેઓના ખેતરમાં કરેલાં ડાંગરની ચકાસણી કરી બીયારણમાં ગડબડ હોવાની વાત કરી હતી.

ખેડૂતનો આક્ષેપ છે કે, આ વાતને આજે ૨૦ દિવસ ઉપરાંતનો સમય ગાળો વિતવા છતાં કંપની દ્વારા કોઈ વળતર કે ચોક્કસ પગલાં ભરવામાં આવ્યા નથી, જેનાં પગલે ખેડૂત ઉમેશભાઇ પરમાર દ્વારા આખરે જિલ્લા ખેતીવાડી અધિકારીને સમગ્ર મામલે લેખીત રજૂઆત કરી હતી. રજૂઆતમાં તેઓએ બીયારણ મામલે તમામ હકીકત જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રિસર્ચ અને વેરાયટી વાળા બીયારણથી વધુ ઉત્પાદન મેળવવનો આશ્રય તેઓ માટે હાલ શ્રાપ સમાન બન્યો છે. હાલ ભેળસેળ ધરાવતાં બીયારણને પગલે મસમોટુ આર્થિક નુકસાન થાય તેમ હોવાથી આખરે જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખીત રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે.