ભરૂચ

તાજેતરમાં લોકસભામાં રજુ થયેલાં ખેતી વિષયક અધ્યાદેશ ખેડુતોનું અહિત કરશે તેવા આક્ષેપ સાથે ભરૂચમાં ખેડુતોએ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કિસાનો હાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીઓમાં પોતાનો માલ હરાજીથી વેચી પોષણક્ષમ ભાવ મેળવી શકે છે. આ કાયદો અમલમાં આવવાથી મલ્ટીનેશનલ કંપની દ્વારા કિસાનોનું શોષણ થાય તેવી સંભાવના છે એટલું જ નહીં પરંતુ મલ્ટીનેશનલ કંપનીઓ યુરિયા, ડાઈ, વગેરેનો ઉપયોગ કરી કિસાનોની ખેતીની જમીનની ફળદ્રુપતા ઓછી કરે તેવી સંભાવના છે.

ખેતીલાયક જમીનો ઉદ્યોગો માટે સંપાદન કરીને કિસાનોને તેમના જ ખેતરમાં મજૂર બનાવી દેવાય છે. જેનો વિરોધ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે અને એમ પણ જણાવવામાં આવ્યું કે અધ્યાદેશોની લોકસભામાં ચર્ચા કરવામાં આવેલ નથી. સરકારે લોકસભામાં રજુ કરેલા ખેતી વિષયક અધ્યાદેશનો દેશભરમાં વિરોધ થઇ રહયો છે. નવા અધ્યાદેશના કારણે ખેડુતો પાયમાલ બની જશે અને મલ્ટી નેશનલ કંપનીઓને ફાયદો થશે તેવા આક્ષેપો કરાય રહયાં છે. ખેડુતોએ કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસીએશનના નેજા હેઠળ તંત્ર વાહકોને આવેદનપત્ર આપ્યું હતું.