વડોદરા : કેન્દ્ર સરકારે નોટિફિકેશન દ્વારા ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન ઓડિયો વિઝયુઅલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરનાર તમામ પ્લેટફોર્મ્સને માહિતી અને પ્રસારણ મંત્રાલયની દેખરેખ હેઠળ સામેલ કરી દીધા છે. જેના પગલે નેટ ફિલકસ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓવર ધ ટોપ પ્લેટફોર્મની કન્ટેન્ટ પર સરકારની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ સહિત ૩૮ હિન્દુ સંસ્થાઓએ આવા ઓટીટી માધ્યમથી કેટલીક સીરિઝ સામે વિરોધ નોંધાવી કાયદો બનાવવા માગ કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની લીલાઓનું વિકૃતિકરણ કરીને તે અંગે વેબમૂવી અને વેબસીરિઝ બનાવીને તેને નેટ ફિલક્સ, હોટસ્ટાર કે એમેઝોન પ્રાઈમ જેવા ઓટીટી માધ્યમથી પ્રસારિત કરનારાઓ ઉપર આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને શ્રી ગોપીનાથ આધ્યાત્મિક સંસ્થાના નેતૃત્વમાં હિન્દુ ધર્મના જુદા જુદા સંપ્રદાયોના વડાઓ અને ૩૮ જેટલી હિન્દુ સંસ્થાઓએ એકત્રિત થઈને જુલાઈ, ૨૦૨૦માં ગુજરાત રાજ્યના રર જિલ્લાઓમાં જે તે જિલ્લાના કલેકટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના ગુજરાત અધ્યક્ષ ડો. જયેશ શાહ અને હિન્દુ જાગરણ મંચના ગુજરાત અધ્યક્ષ નિરજભાઈ જૈન દ્વારા ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અંતર્ગત ૨૧ જુલાઈ, ૨૦૨૦ના રોજ એક નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી. આ નોટિસના સમયગાળા પછી ઓટીટી પ્લેટ ફોર્મ્સને નિયંત્રિત કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં દિલ્હીના બે એડ્‌વોકેટ દ્વારા જાહેરહિતની અરજી પણ કરવામાં આવી હતી. આના અનુસંધાને ૧૫ ઓકટોબરે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ રામાસુબ્રમણ્યમની બેન્ચે કેન્દ્ર સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાને નોટિસ આપી હતી. આ નોટિસના જવાબમાં કેન્દ્ર સરકારે ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર નિયંત્રણ અનિવાર્ય છે એવો જવાબ રજૂ કર્યો હતો. ત્યાર બાદ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.