વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ તંત્ર પોતાની સત્તાવાર યાદીમાં કોરોના કંટ્રોલમાં હોવાના બણગા ફૂંકીને મૂછ પર લીંબુ લગાવીને મુઠ્ઠીભર અધિકારીઓ આગોતરા આયોજન પર ગર્વ લઇ રહયા છે. ત્યારે બીજી તરફ શહેરમાં કોરોનાના વધતા જતા કહેરની વાતો કરીને વડોદરાના વેપાર ઉદ્યોગ પર તંત્રની અઘોષિત કરફ્યુ જેવી સ્થિતિ ઉભી કરીને ઠેરઠેર તાળાબંધી કરાતા વેપાર ઉદ્યોગ જગતમાં તંત્રના પગલાઓ સામે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. 

આજે દિવસ દરમ્યાન પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સંયુક્ત કાર્યવાહીમાં શહેરના ઈવા મોલ, ઈનઓર્બીટ મોલ, સેન્ટ્રલ મોલ, બંસલ મોલ અને રિલાયન્સ મોલને ત્રણ દિવસને માટે સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના પ્રમુખ બજારો પૈકી મંગળ બજારને પણ ત્રણ દિવસને માટે સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આજે સવારથી જ શહેરમાં પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીની પાછળના ભાગમાં આવેલ ફળફળાદિ માર્કેટના ગોડાઉનો અને દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાબતની ગંધ કેટલાક વેપારીઓને આવી જતા અને કાર્યવાહીની વાત પાછલા દરવાજે જાહેર થઇ જતા કેટલાક વેપારીઓએ રાતોરાત ગોડાઉનો અને દુકાનોના માલને સ્થળાંતરિત કરી દીધો હતો. પાલિકા અને પોલીસની ટીમે સવાર સાંજ એમ બે વખત મંગળબજારમાં કાર્યવાહી કરી હતી. જેમાં સવારે દુકાનો સિવાયના લારી, ગલ્લા, પથારાવાળાના દબાણો હટાવાયા હતા. જ્યારે માસ સ્પ્રેડરની આશંકા વ્યક્ત કરીને સાંજે મંગળ બજારની તમામ દુકાનો અને સમગ્ર બજારને સીલ કરી દેવાયું હતું. આ કાર્યવાહીના પગલે ફફડી ઉઠેલ ગેડા સર્કલ ખાતેના સેન્ટર સ્કવેર મોલ, આઇનોક્ષ,વેસ્ટ સાઇડ, રિલાયન્સ ટ્રેન્ડ દ્વારા સ્વૈચ્છીક રીતે ૩ દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. પાલિકાની દિવસભર ચાલેલી કાર્યવાહીના પગલે ખાસ કરીને શહેર વિસ્તારમાં ઠેર ઠેર સીધા સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસબળનો ઉપયોગ કરીને વેપારીઓનું મોં સીવી લેવામાં તંત્ર સફળ રહ્યું હતું. આ કાર્યવાહી ગત સાંજે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ સંયુક્ત મિટિંગ પછીથી તુર્તજ હાથ ધરાઈ હતી. જેમાં સૌ પ્રથમ તરસાલી શાક માર્કેટના સો જેટલા લારીઓવાળાને દૂર કરાયા હતા. એ પછીથી આજ સવારથી જ યુદ્ધના ધોરણે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. એક તરફ સરકાર પોતે સંવેદનશીલ હોવાની વાતો કરે છે. જ્યારે બીજી તરફ એના અસંવેદનશીલ પગલાઓ સામે વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. તેઓએ લોકસત્તા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેપાર ઉદ્યોગ જગત કમાઈને જીએસટી સહીતની જે આવક સરકારને રળી આપે છે. એને લઈને જ વિકાસ કાર્યો ધમધમે છે. પરંતુ હવે સરકાર ગરજ પતિને વૈદ્ય વેરી જેવો અવ્યવહારુ વ્યવહાર કરી રહી છે. જે સમગ્ર વેપાર ઉદ્યોગજગતને માટે દુઃખદ છે. જો વેપાર ઉદ્યોગ ધમધમશે તો જ રૂપિયો ચલણમાં રહેતા ગુનાખોરીનું પ્રમાણ નિયંત્રણમાં રહેશે, અન્યથા આવી રીતે સત્તાનો દુરુપયોગ કરીને છાસવારે દુકાનદારો અને વેપારીઓ સાથે ગુનેગાર જેવું વર્તન કરાશે અને એની સીધી તેમજ આડકતરી અસર ઘરાકી પર પડશે તો વધનાર બેરોજગારીને લઈને ગુનાખોરી વધવાની આશંકા વેપારીઓએ વ્યક્ત કરી હતી.

કોની-કોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

મહાકાલી સેવઉસળ, બોમ્બે સેન્ડવીચ, ડોરમેટ ડિઝાઇન કોર્નર, પ્રિન્સ આમલેટ, સાઇનાથ ફરસાણ, સૌરાષ્ટ્ર પાનની દુકાન, ડીલકસ પાન, શકિત પાન સેન્ટર, તાજ નોવેલ્ટી, પટેલ ઇલેકટ્રીકલ, કબીર ટી સ્ટોલ, આસ્થા પાન પાર્લર, હરિઓમ ફ્રુટ, આર.સી.એમ ફ્રુટ, સેક્રોન કોમ્પલેક્ષ, રીના ફેશન,આઇ-વાઇ,જય પ્લાઇવુડ,વી.આઇ.પી.વ્યુ કોમ્પલેક્ષ , દર્શન ઇલેકટ્રીકલ, સુગમ સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટ, ઉમીયા દાબેલી,ક્રિષ્ના ટેસ્ટી વડાપાંઉ, જલારામ નાસ્તા હાઉસ, ટી શોપ, મકરપુરા પાન પાર્લર, વડસર બ્રીજ નજીકના લવલી પાન, અંકુર એવન્યુ, મહાલક્ષ્મી સુપર સ્ટોર, ગોરવા શાક માર્કેટ, તુલસી શોપ સહિતના મોલ દુકાનોને સીલ કરવામાં આવી હતી અને ચારેય ઝોનમાં મળી કુલ રૂા૧,૦૪,૨૦૦/- ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

દુકાન ખોલનારને ૫૦ હજારના દંડની વાતથી હાહાકાર મચ્યો

આજે મોડી સાંજે સમગ્ર વેપારી આલમમાં એવા સમાચારો વહેતા થયા હતા કે જે કોઈ વેપારી મોલ અને મુખ્ય બજારો સીલ થયા પછીથી ખોલશે. તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને પચાસ હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. તંત્રના નામે ફરતા થયેલા આ મેસેજને લઈને શહેરના વેપારઉદ્યોગના આલમમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ અંગ્રેજો જેવા જુલ્મી પગલાને લઈને ઉગ્ર આક્રોશ જોવા મળી.

વેપારીઓએ કાળાં કપડાં પહેરીને ખોટી હેરાનગતિનો વિરોધ કર્યો

પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વેપારીઓ સાથે કાયદાના કડકાઈથી અમલ કરાવવાના નામે કરાયેલા અણછાજતા અને જુલ્મી વર્તન સામે ભારે નારાજગી દર્શાવી છે. આ બાબતનો ઉગ્ર વિરોધ કરવાને માટે અને સંવેદનશીલ સરકારની અસંવેદનશીલતા સામે આક્રોશ વ્યક્ત કરવાને માટે અને આખો ખોલવાને માટે વેપારીઓએ કોરોનાઅને નામે જે કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એની સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવાને માટે માત્ર કાળી પેટ્ટી નહિ પરંતુ કાળા કપડા પહેરીને વિરોધ વ્યક્ત કરી પોતાનો આક્રોશ સહ લાગણી વ્યક્ત કરી વાસ્તવિક સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.