ઓલપાડ

દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સુગર ફેકટરી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીએ વર્ષ ૨૦૨૦- ૨૧ માટે શેરડી પિલાણ સિઝનનો શુભારંભ મંગળવારથી કર્યો હતો. જ્યારે કોરોનાથી સંક્રમિત થતા સારવાર બાદ હોમ ક્વોરેન્ટાઇન થયેલા સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલે જણાવ્યું કે ચાલુ પિલાણ સિઝનમાં અમારી સુગર ફેકટરી ૧૧ લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ કરવાનો અમો લક્ષ્યાંક સિધ્ધ કરવા કટીબધ્ધ હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સાયણ સુગર ફેક્ટરીએ આજે વિધિગત શેરડી પિલાણનો પ્રારંભ કરતા સુગર ફેકટરીના ઉપપ્રમુખ ડો.દેવેન્દ્ર પટેલ પાસે ભૂદેવે ફેકટરીના યાર્ડમાં,વજનકાંટા પાસે હિન્દુ શાસ્ત્રવિધિ મુજબ કારખાના મશીનરીનું પૂજન કરાવી શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાયણ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન ડો.દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે અમારી સુગર ફેક્ટરી પાસે શેરડી પિલાણ સિઝનમાં ૨૪,૭૦૦ એકર નવી શેરડી તથા ૧૩,૧૦૦ એકર લામ રોપાણ મળી કુલ ૩૭,૮૦૦ એકર શેરડીનો ઉભો પાક છે.જેથી અમોએ ચાલુ શેરડી પિલાણ સિઝનમાં ૧૧ લાખ ટનથી વધુ શેરડીનું પિલાણ પુરૂં કરવાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા કટિબદ્ધ છે. આ પ્રસંગે સાયણ સુગરના એમ.ડી. પ્રવિણકુમાર પટેલે જણાવ્યું હતું કે સાયણ ફેકટરીના સભાસદોએ ચાલુ વર્ષે સને-૨૦૨૧-૨૨ ની પિલાણ સિઝન માટે અત્યાર સુધીમાં ૧૪,૪૪૩ એકર નવી શેરડીનું વાવેતર કરેલ છે,જ્યારે હજુ પણ સભાસદો શેરડીનું વાવેતર કરી રહ્યા છે.