વડોદરા : ઓનલાઈન સ્કૂલના અભ્યાસ દરમિયાન મોબાઈલ પર ગેમ રમતાં ૧૩ વર્ષીય કિશોરને પરિવારના વડીલબંધુએ ઉગ્ર શબ્દોમાં ઠપકો આપતાં સગીર વયના કિશોરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઓનલાઈન અભ્યાસથી કંટાળી ફોન પર ગેમ રમતી રહેલા વિદ્યાર્થીઓે આપઘાત કર્યાનો આ કદાચ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આપઘાતના બનાવની જાણ નવાપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. 

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના પોલોગ્રાઉન્ડની સામે આવેલા રાજસ્થંભ સોસાયટીમાં નિખિલભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. નિખિલભાઈ પોતે વ્યવાસયે વેપારી છે. તેમનો ૧૩ વર્ષનો પુત્ર નિત્ય પટેલ પોલોગ્રાઉન્ડ સામે આવેલ બરોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જાે કે, હાલ કોરોનાની મહામારીમાં સ્કૂલ અને કોલેજાે બંધ હોવાથી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેથી નિત્ય પટેલની સ્કૂલના ટીચર્સ દ્વારા મોબાઈલ ઉપર ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. પરિવારના વડીલબંધુએ ઉગ્ર શબ્દોમાં ઠપકો આપતાં સગીર વયના કિશોરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

વિદ્યાર્થી નિત્ય પટેલ રોજના સમયે ઓનલાઈન અભ્યાસ માટે આજે મોબાઈલ ફોન લઈને તેની રૂમમાં ગયો હતો, જ્યાં તેને ઓનલાઈનના શરૂઆતના અભ્યાસમાં રસ લીધો હતો તે બાદ તે અગમ્ય કારણોસર કંટાળી ગયો હતો. જેથી તેને મોબાઈલ પર ઓનલાઈન અભ્યાસ દરમિયાન આવેશમાં આવી જઈને રૂમમાં આવેલા સિલિંગ ફેનના હૂકમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ વાયુવેગે તેના મિત્ર વર્તુળમાં અને સોસાયટી તેમજ સગાંસંબંધીઓમાં ફેલાતાં તેઓ વિદ્યાર્થી નિત્ય પટેલના ઘરે દોડી આવ્યા હતા. ત્યાર બાદ નવાપુરા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.