વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોનો પ્રચાર તેજ બન્યો છે.તેમજ નેતાઓ સભાઓ ગજવવાને માટે આવી રહ્યા છે.ત્યારે સાંજના સુમારે ખંડેરાવ માર્કેટ ખાતે સભાને સંબોધવાને માટે આવેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સ્ટેજ પર અન્ય સ્થાનિક નેતાઓની સાથોસાથ ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોને પણ બેસાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.પરંતુ જે સમયે પ્રદેશ અધ્યક્ષ, શહેર અધ્યક્ષ અને શહેર મહામંત્રી તથા પ્રદેશ મહામંત્રી તથા અન્ય મહાનુભાવોની સાથે સ્ટેજ પર પહોંચ્યા હતા. ત્યારે પહેલેથી જ સ્ટેજ પર ઉમેદવારો પણ પાટીલના સ્વાગત અને કાર્યક્રમને માટે ગોઠવાઈ ગયા હતા. આને કારણે સ્ટેજ પર ભારે ભીડ એકત્ર થયેલી જાેવા મળી હતી. શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ સ્ટેજ પર આવેલા ઉમેદવારોને નીચે ઉતાર્યા હતા.આને કારણે પક્ષની શિસ્તને લઈને કેટલાય ઉમેદવારો આ અપમાનનો કડવો ઘૂંટ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કોઈ માથાકૂટ થાય નહિ એને માટે ગળી ગયા હતા.પરંતુ તેઓના ચહેરા પરનું નૂર અને મુડ બંને ઉતરી ગયેલા સ્પષ્ટ ઉપસ્થિત નેતાઓ અને અગ્રણીઓએ જાેયા હતા.આ પછીથી કોઈ કારણસર ભાજપના અગ્રણીઓ અને નેતાઓને પોતાની ભૂલ સમજાતા અને ગ્રહણ ટાણે સાપ નીકળે નહીં એવી સ્થિતિનું નિર્માણ થાય એ પહેલા ભૂલ સુધારી લીધી હતી.તેમજ નીચે ધક્કો મારીને અને અપમાનિત કરીને ધકેલી દીધેલા તમામ ઉમેદવારોને પુનઃ સ્ટેજ પર બોલાવીને ભૂલ સુધારી લીધી હતી. જેને લઈને આ વિષય ચર્ચામાં આવતો હાલ પૂરતો અટકી ગયો હતો.પરંતુ સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારો અને કાર્યકરોમાં ટોચના પક્ષના નેતાઓના વર્તનની આકરી ટીકા ટિપ્પણી થતી જાેવા મળી હતી.જેને લઈને આ બાબતને લઈને આગામી દિવસોમાં બળાપો બહાર આવે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.