અયોધ્યા-

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં પાંચ સદી બાદ છેવટે નવો ઇતિહાસ આલેખાયો છે. ત્રણેક વર્ષમાં નિર્માણ પામનારા, ભવ્ય રામમંદિર માટેનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. અને માત્ર અયોધ્યા જ નહીં આખો દેશ રામમય બની ગયો હતો. 

રામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલાના મંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજનકરવામાં આવ્યું હતું અને તે સાથે દેશ વિદેશમાં વસતા કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમી રામનગરીમાં નવા ઇતિહાસનો પાયો નંખાયો હતો. રામમય બનેલા સમગ્ર દેશમાં મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભગવાન શ્રીરામના મંદિરમાં ભૂમિપૂજનના સાક્ષી બનવા માટે વાતાવરણે પણ કરવટ બદલી હોય તેમ વાતાવરણ ખુશનુમા બન્યું હતું. તેજ પવન સાથે વરસાદનું ઝાપટુ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. 

ત્રણ દિવસથી અયોધ્યામાં ચાલી રહેલા નિર્માણોત્સવના આજના મુખ્ય કાર્યક્રમમાં બપોરે 12.44.08કલાકથી 12.44.40 કલાક સુધીના 32 સેકન્ડનાં મુર્હુતમાં પૂજનવિધિ હાથ ધરવામાં આવી હતી. પૂજનવિધિમાં 22 ધર્માચાર્યો સામેલ થયા હતા. અભિજીત મુર્હુત દરરોજ સવારે 11.45થી બપોરે 12.45 સુધી હોયછે. તેનો સમય 48 મીનીટનો માનવામાં આવે છે.આ જ મુર્હુતમાં ભગવાન શ્રીરામનો જન્મ બપોરે12 વાગ્યે થયો હતો. ભૂમિપૂજન પૂર્વે વૈદિક રીતથી સંપૂર્ણ અનુષ્ઠાન હાથ ધરવામાં આવ્યું હતું. તથા સાડા ત્રણ કલાકનો સમય થયો હતો. ત્યારબાદ અંતિમ ક્ષણમાં વડાપ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન તથા શિલાપૂજનની વિધિ કરવામાં આવી હતી. 

અનુષ્ઠાન-પૂજનમાં ગણપતિ, અંબિકા, વરુણ, ષોડશ, આયુષમંત્ર, પ્રસ્તન ખંડ શિલા, ગૃહશાંતિ પૂજન કરવામાં આવ્યા હતા. ભૂમિપૂજનના મુખ્ય કાર્યક્રમના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘવડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા ટ્રસ્ટ પ્રમુખને સ્થાન આપવામાં આવ્યા હતા. સમગ્ર રામનગરીને કેસરીયો-પીતાંબર શણગાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાં દિવાળી હોય તેમ લાખો દિવડાઓનો ઝગમગાટ રહ્યો હતો. 

ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા અગિયાર વાગ્યે અયોધ્યા પહોંચ્યા હતા જ્યારે સીધાહ હનુમાનગઢીમાં પહોંચીને આદેશ માથે ચઢાવીને ભૂમિપૂજન માટે પહોંચ્યા હતા. જ્યાં રામમંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. સમગ્ર અયોધ્યામાં દિવાળીનો માહોલ હતો.મંદિર-ઘરોમાં મંગળગીતના ગાન હતા. મકાનો-મંદિરો પર અદ્દભૂત શણગારથી અભૂતપૂર્વ વાતાવરણ હતું. તમામ ઘરો પર કેસરીયા-પીતાંબર ધજા-પતાકા હતી.