આણંદ, તા.૧૭  

શહેરમાં કોરોના કેસો વધી રહ્યાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જાેવાં મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સાવચેતીના ભાગરૂપે આણંદ પાલિકા પ્રમુખની અપીલના પગલે આણંદ સુપર માર્કેટમાં રવિવાર સુધી દુકાનો પાંચ વાગ્યા પછી અને સોમવારથી ચાર વાગ્યા પછી બંધ રાખવાનો વેપારીગણ દ્વારા નિર્ણય લેવાયો છે. આણંદ સુપર માર્કેટના પ્રમુખે જાહેરાત કરી હતી કે, હાલમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. આથી આણંદ નગરપાલિકા પ્રમુખ કાન્તિભાઈ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

સુપર માર્કેટમાં આવેલી ૩૦૦ જેટલી દુકાનોના વેપારીઓની મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે, વેપારીઓએ દુકાનોમાં માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સનું પણ સરકારની ગાઇડલાઇન મુજબ પાલન કરવાનું રહેશે. તમામ વેપારીઓએ સંમતિ આપતાં શુક્રવારથી બપોરે પાંચ કલાક સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે, તેવું નક્કી કરાયું હતું. સોમવારથી બપોરે ચાર કલાક સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. તેમજ આવનાર ગ્રાહકોને પણ કોરોના અંગે સાવચેતી રાખવા અંગે અપીલ પણ કરવામાં આવશે.

આણંદમાં ૧૫ ઓગસ્ટ સુધી સભા સરઘસ બંધીનો આદેશ

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને જિલ્લામાં કોઇ અનિચ‍છનીય બનાવ ન બને તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી.ઠાકોરે આગામી ૧૫મી ઓગસ્ટ સુધી જિલ્લામાં સભા-સરઘસ બંધી ફરમાવી છે. આ સમયમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચાર કરતા વધુ માણસોએ એકત્ર થવુ નહી, ચાર કરતાં વધુ વ્યક્તિની કોઇ સભા ભરવી કે બોલાવવી તથા સરઘસ કાઢવા નહીં. આણંદના રસ્તાઓ, રસ્તાની ફૂટપાથ, ગલીઓ અને પેટાગલીઓનો તથા જાહેર મકાનોનો પણ સમાવેશ કરાયો છે. શહેર સહિત જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યાં હોઈ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા તહેવાર દરમિયાન સભા-સરઘસ બંધ રાખવા આદેશ કરાયા છે. આગામી દિવસો દરમિયાન ૨૧ જુલાઈના રોજ શ્રાવણ માસ પહેલી ઓગસ્ટે બકરી ઈદ, ત્રીજી ઓગસ્ટે રક્ષાબંધન, ૧૨મીએ જન્માષ્ટમી તથા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાશે.