અમદાવાદ-

કોરોના થયા બાદ અનેક લોકોની માનસિક સ્થિતિ પર અસર પડી છે. લોકો કોરોનામાંથી મુક્ત થઈ જાય છે પરંતુ તેના વિચારો અને પછીનો ભય મનમાંથી જતો નથી. વાસણા વિસ્તારમાં મહિલાને કોરોના થયા બાદ માનસિક પરિસ્થિતિ બગડી હતી. મહિલાના પિયરપક્ષના તેને ડોકટર પાસે સારવાર કરાવવાની જગ્યાએ ભુવા પાસે લઈ જતા હતા. જેથી પતિને જાણ થતાં તેઓ પત્નીના પિયર પક્ષના લોકોને સમજાવ્યા હતા છતાં ન સમજતા છેવટે તેણે મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે પિયરપક્ષના લોકોને સમજાવ્યા હતા કે મહિલાને સારવારની જરૂર છે જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવા અને જાે ભુવાને બોલાવી કાળાજાદુ કર્યું તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના વાસણા વિસ્તારમાંથી એક યુવકે અભ્યમ હેલ્પલાઇન ૧૮૧ પર ફોન કરી કહ્યું હતું કે મારી પત્ની તેના પિયરમાં છે અને તેની તબિયત ખરાબ છે તેને પિયરવાળા હોસ્પિટલમાં લઈ જવાની જગ્યાએ ભુવા પાસે લઈ જઈ કાળાજાદુ કરાવે છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ઘરે જઈ તપાસ કરતા યુવકે જણાવ્યું હતું કે પોતે જાેધપુર ખાતે રહે છે. ૫ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. બે મહિના પહેલા પત્નીને ડિલિવરી આવી ત્યારે તેને કોરોના થઈ ગયો હતો. પત્ની અને દીકરીને કોરોના મટી ગયો પરંતુ પત્ની પર માનસિક પરિસ્થિતિ બગડી ગઈ હતી. સાસરીમા તેની સારવાર ચાલતી જ હતી. પરંતુ એક દિવસ રાતે પત્નીના પિયરપક્ષના લોકો ઘરે આવ્યા હતા અને અમદાવાદ વાસણા અમારા ઘરે સારવાર કરાવીશું કહી ઝઘડો કરી ઘરે લઈ ગયા હતા.

પત્નીની સારવારની ચિંતા હોવાથી પતિ વાસણા ખાતે પહોંચ્યો હતો. પરંતુ તેની સાસરીવાળાએ ઘરમાં ઘુસવા દીધો નહિ અને બહાર કાઢી મુક્યો હતો. પતિને આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં નથી લઈ જતાં અને ભુવા પાસે લઈ જાય છે જેથી યુવકે પત્નીને સારવાર કરાવવા કહ્યું પણ માન્યા નહિ. જેથી હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે ઘરમાં જાેતા મહિલાની હાલત ખરાબ હતી અને તેને હોસ્પિટલમાં લઇ જઈ સારવારની જરૂર હતી. પિયરપક્ષના લોકોને સમજાવ્યા હતા કે તેને હોસ્પિટલમાં લઈ જાવ અને જાે કાળાજાદુ કે જેવું કંઈ કરશો તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે. હેલ્પલાઇનની ટીમે મહિલાને તેના પતિ અને પિયરપક્ષના લોકો સાથે હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી.