વડોદરા, તા.૨

યુ.પી.ના ચકચારી ધર્માંતરણના મામલાના તાર વડોદરા સુધી જાેડાયેલા બહાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશ એટીએસની ટીમ અત્રેના આફમી ટ્રસ્ટ દ્વારા મોટી રકમની સહાય કરવામાં આવી હોવાથી ટ્રસ્ટના સંચાલક સલ્લાઉદ્દીનને ઝડપી પાડી લખનૌ લઈ ગઈ હતી. બીજી તરફ ગુપ્ત બાતમીના આધારે શહેર પોલીસે પણ આફમી ટ્રસ્ટની અનેક ગેરરીતિઓ શોધી મુસ્લિમ મેડિકલ સેન્ટરના મહંમદ હુસેનને ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ લીધા હતા. આજે અદાલતમાં એને રજૂ કરી વધુ રિમાન્ડની માગ કોર્ટે નામંજૂર કરી આરોપીને જેલના હવાલે કર્યો છે.

આફમી ટ્રસ્ટ દ્વારા વિદેશથી ફંડ મેળવી તેનો ગેરઉપયોગ અને દેશવિરોધી પ્રવૃત્તિ કરાતી હોવાનો પર્દાફાશ થતાં વડોદરા પોલીસે આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ તેમજ યુ.પી.ના ધર્માંતરણના મામલાના મુખ્ય સૂત્રધાર ઉમર ગૌતમ સામે ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટના આધારે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓનો કબજાે મેળવવા એક સપ્તાહથી લખનૌમાં ધામા નાખ્યા છે.

બીજી તરફ વડોદરા પોલીસે આફમી ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝર મહંમદ હુસેન મનસુરીની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી અને અદાલતમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા એ દરમિયાન ટ્રસ્ટના હિસાબોની માહિતી ધરાવતી પેનડ્રાઈવરનો નાશ ક્યાં કર્યો અને એમાં કઈ કઈ માહિતી હતી એની વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આજે મહંમદ હુસેનના રિમાન્ડ પૂરા થતાં અદાલતમાં રજૂ કરાયો હતો. અદાલત સમક્ષ પોલીસે મહંમદ હુસેનને રજૂ કરી વધુ દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ અદાલતે નામંજૂર કરી મહંમદ હુસેનને જેલના હવાલે કર્યો છે.

આફમી ટ્રસ્ટ દ્વારા કચ્છની છ જેટલી મસ્જિદોને પણ ફન્ડિંગ કર્યું હોવાનું બહાર આવતાં પોલીસની એક ટીમ ભૂજ ગઈ હતી જે ગુરુવાર સાંજે પરત ફરી હતી. પોલીસની ટીમે ભૂજ જઈ મુઝીબઅલી મહંમદ મેમણ, ઉમર ઉર્ફે મુસ્તાક મેમણ, મહંમદ મુસ્તાક બચુચાઈ શેખના નિવેદનો લીધા છે જેમાં છ જેટલી મસ્જિદો માટે આફમી ટ્રસ્ટે ૪૦ લાખ રૂપિયાની સહાય કરી હોવાની કબૂલાત કરવામાં આવી હતી. ત્યારે આફમી ટ્રસ્ટને ગલ્ફના દેશોમાંથી ૬૦ કરોડની માતબર રકમની સહાય હવાલા મારફતે મોકલનાર કોણ એ સાવલનો જવાબ મેળવવા પોલીસ મથામણ કરી રહી છે. હવાલા મારફતે નાણાં દેશમાં આવ્યા બાદ આંગડિયા દ્વારા ભરૂચ અને ત્યાંથી દેશના જુદા જુદા ભાગોમાં મોકલાયા હોવાનું બહાર આવ્યું છે.