વડોદરા, તા.૨૩ 

શહેરના તાંદલજા વિસ્તારમાં વિધર્મીને પ્રોપર્ટી વેચવાના વિવાદમાં આજે સમર્પણ સોસાયટીના રહીશો સોસાયટીના ગાર્ડનમાં એકઠા થઈ મિટિંગ યોજી હતી. સોસાયટીના ૯૭ ટકા લોકોએ તાંદલજા તરફનો ગેટ બંધ રાખવા સમર્થન આપ્યું હતું. પ્લેકાર્ડ સાથે એકઠા થયેલા રહીશોએ અશાંતધારાનો કડક અમલ કરાવવાની માગ પણ કરી હતી.

તાંદલજા વિસ્તારની સમર્પણ સોસાયટીમાં વિધર્મીને પ્રોપર્ટી વેચવાના વિવાદ બાદ સોસાયટીના રહીશોએ તાંદલજા તરફનો ગેટ બંધ કરી દીધો હતો. જાે કે, સોસાયટીના કેટલાક રહીશોએ ગેટ બંધ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે આજે સમર્પણ સોસાયટીના રહીશો સોસાયટીના ગાર્ડનમં સવારે પ્લેકાર્ડ સાથે એકઠા થયા હતા અને સોસાયટીના ૯૭ ટકા લોકોએ ગેટ બંધ રાખવો યોગ્ય હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, સમર્પણ સોસાયટીમાં એકઠા થયેલ વ્યક્તિ દ્વારા આ જ થઈ રહ્યું છે જેણે ભૂતકાળમાં લેખિતમાં માફી પણ માગી હતી. આશ્ચર્ય થાય કે અશાંતધારાનો અમલ હોવા છતાં અને સોસાયટીમાં કોઈ અસામાજિક તત્ત્વો કોઈના ઈશારે સોસાયટીમાં આવશે નહીં, સોસાયટીમાં ઘૂસે નહીં, તેથી તાંદલજા-વાસણા સંતકબીર જે.પી.રોડ પોલીસ સ્ટેશનવાળો રોડ બંધ કરી દીધો છે અને આ રોડના દરવાજાનું કોઈ અસ્તિત્વ સોસાયટીનો નકશો પાસ થયો ત્યારે હતું જ નહીં, પરંતુ કોઈ કારણોસર ભૂતકાળમાં દરવાજાે પાડેલો અને અત્યારની સ્થિતિ જાેતાં એ બંધ કરી દેવામાં આવ્યો છે.

માત્ર આઠ લોકો જે પૈકી ત્રણના દસ્તાવેજ રદ થઈ ગયા છે તે લોકો ગેટનો વિરોધ કરતા હતા. પરિણામે આજે સોસાયટીના ૯૭ ટકા લોકો ભેગા થયા અને તેમણે એકઅવાજે કહ્યું કે, સમર્પણ સોસાયટીનો આ ગેરકાયદેસરનો દરવાજાે અમે નહીં ખોલીએ, અમે આ દરવાજાે બંધ કરવાના સમર્થનમાં છીએ એવું જણાવ્યું હતું.