દિલ્હી-

વિરોધ કરવાનો અધિકાર ક્યાંય પણ અને કોઈપણ સમયે ન હોય, એમ કહીને સુપ્રીમ કોર્ટે શાહીનબાગના દેખાવો બાબતે દાખલ કરાયેલી ફેરવિચારણાની અરજીને ફગાવી દેતાં સીએએ-ની સામે કરાયેલા આ દીર્ઘકાલીન દેખાવોના બચાવમાં ઉતરેલા કેટલાંકની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. 

જસ્ટીસ એસકે કૌલ, અનિરૂદ્ધ બોઝ અને ક્રિશ્ન મુરારીની બનેલી ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આ બાબતે પોતાના અગાઉના ચૂકાદાને યથાવત રાખવાનો અને તેના પર રુલિંગ ન આપવાનો નિર્ણય કર્યો હતો. કનિઝ ફાતિમા અને અન્ય 11 જણા દ્વારા દાખલ કરાયેલી પુનર્વિચાર યાચિકા પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, વિરોધનો અધિકાર કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે હોઈ ન શકે. ક્યારેક કોઈક ઠેકાણે એકાએક એવા પ્રકારનો વિરોધ થઈ શકે, પણ લાંબા સમય સુધી દેખાવ કરવા માટે બીજાના હકોનું દમન કરીને જાહેર સ્થળ પર કબજો લઈ શકાય નહીં. અરજકર્તાઓએ કોર્ટમાં આ કેસની સુનાવણી મૌખિક હાથ ધરાય એમ પણ અરજ કરી હતી પરંતુ કોર્ટે એ અરજ માન્ય નહોતી રાખી.