વડોદરા, તા.૮

પાણીગેટ રોડ પર ઓવરટેક કરવાની નજીવી બાબતે બાઈકસવાર નિર્દોષ યુવકને જાહેરમાં માર મારીને હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરાયેલો વારસિયાનો કુખ્યાત સુરજ ઉર્ફ ચુઈ કહારે જામીન પર મુક્ત થતા જ ટુવ્હીલર પર આવેલા સાગરીતો સાથે ઔડી કારમાં રેલી કાઢી હતી. આ રેલીના દ્રશ્ય ટીકટોક પર વાયરલ થતા જ ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ બાદ સુરજ અને તેના સાગરીતો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલી ઐાડી કાર જપ્ત કરી સુરજ સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

પાણીગેટ રોડ પરથી ગત ૨૩મી તારીખની રાત્રે પોતાના મિત્રો સાથે મારૂતિ ઈકો કારમાં ડભોઈ જઈ રહેલો માથાભારે સુરજ ઉર્ફ ચુઈ રમણ કહાર(શીતળામાતાના ખાંચો, વારસિયા) અને તેના મિત્રોને ઓવરટેકના મુદ્દે કેવલ જાદવ નામના યુવક સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન સુરજ અને તેના પાંચ મિત્રો કેવલ પર તૂટી પડ્યા હતા અને તેઓએ ફિલ્મી ઢબે કેવલને જાહેરમાર્ગ પર માર મારી તેની હત્યા કરી હતી. પાણીગેટ પોલીસે સુરજ અને તેના મિત્રોની હત્યાના ગુનામાં ધરપકડ કરી તમામને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન ગત ૪થી તારીખે સુરજ જામીન પર મુક્ત થતા જ તેના માથાભારે મિત્રો ટુવ્હીલરો પર તેમજ લાલ રંગની ઐાડી કાર લઈને મોડી સાંજે સેન્ટ્રલ જેલ પર લેવા માટે પહોંચી ગયા હતા. 

સુરજે જાણે કોઈ મોટી સિધ્ધી હાંસિલ કરી હોય તેમ તે ઐાડી કારમાં રૂફ હટાવી ઉભો રહ્યો હતો અને તેના સાગરીતોએ કારની આગળ ટુવ્હીલરો પર ડબલસવારીમાં માસ્ક પહેર્યા વિના બેસીને રેલી કાઢી હતી. સુરજ અને તેના સાગરીતો જેલથી વારસિયા સુધીના તમામ માર્ગો પર સતત કાર અને ટુવ્હીલરોના હોર્ન વગાડી તેમજ ચિચિયારીઓ પાડી ઘોંઘાટ કર્યો હતો અને ત્યારબાદ શીતળામાતાના નાકા પાસે ઐાડી કારમાંથી ઉતરેલા સુરજને મિત્રો ખભે બેસાડીને બુમરાણ મચાવી તેના ઘરે લઈ ગયા હતા. સુરજ અને તેના સાગરીત મિત્રોની તમામ કરતુતો છેલ્લા બે દિવસથી ટીકટોક પર ભારે વાયરલ થતા શહેર પોલીસ ચોંકી ઉઠી હતી. 

હત્યાનો માથાભારે આરોપી આ રીતે રેલી કાઢીને જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ઘટનાની પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓએ ગંભીર નોંધ લઈ સુરજ અને તેના સાગરીતો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટીકટોક તેમજ અન્ય વાયરલ વિડીઓના આધારે સુરજ ઉર્ફ ચુઈ કહાર તેમજ અરુણ માછી, અજય, નીતિન ભદોરિયા ઉર્ફ સુનિલ રાજપૂત, સન્ની, શાહરૂખ, શીવમ જતીન કહાર તેમજ અન્ય ૧૦ જેટલા ઈસમો સામે ચાર કરતા વધુ ઈસમો ભેગા થઈ પરવાનગી વિના જુલુસ કાઢવાનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં સુરજે જીજે-૦૬-એલબી-૦૦૨૭ નંબરની લાલ રંગની ઐાડી કારનો ઉપયોગ કર્યો હોઈ પોલીસે આજે ઐાડી કાર જપ્ત કરી હતી. 

ઝડપાયેલી ઔડી કાર યુવા ભાજપાના અગ્રણી પ્રિતેશ શાહની ઃ પોલીસ નિસ્ક્રીય 

આરોપીઓની ધરપકડ બાદ તેઓની પાસેથી ગુનામાં વપરાયેલા વાહનો જપ્ત કરાતા હોય છે પરંતુ આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે હજુ સુધી સુરજ સહિત કોઈ આરોપીની ધરપકડ કે અટકાયત કરી નથી પરંતું તે અગાઉ જ ગુનામાં વપરાયેલી ઐાડી કાર જપ્ત કરી લેતા આશ્ચર્ય સર્જાયું છે. ક્રાઈમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતું કે આ ઐાડી કાર આજવારોડ પર ઝાલા ભરવાડ પાસેથી કબજે કરી છે અને કારના મુળ માલિક પ્રિતેશ શાહને પુછપરછ માટે બોલાવ્યો છે પરંતું તે મોડી સાંજ સુધી આવ્યો નથી. ઐાડી કારનો માલિક પ્રિતેશ શાહ શહેર યુવા ભાજપાનો અગ્રણી છે અને ઝાલા ભરવાડ તેનો ભાગીદાર હોવાની વિગતો સાંપડી છે. શહેરમાં સીસીટીવી કેમેરા શું ઝખ મારવા લગાવ્યા છે ?  છ વર્ષમાં ૧૧ ગંભીર ગુના નોંધાયા 

લુખ્ખાતત્વો જેવા યુવકોએ સાંજે ભરચક વિસ્તારમાં આંતક ફેલાવતા હોય તેમ ચિચિયારીઓ સાથે પુરઝડપે વાહનો હંકારીને તદ્દન ગેરકાયદે રેલી કાઢી હતી. આ રેલી જ્યાં-જ્યાંથી નીકળી તે તમામ માર્ગો પર શહેર પોલીસે લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જાહેરમાર્ગ પર આ રીતે માથાભારે યુવકોના ટોળેટોળે રેલી કાઢીને ફર્યા છતાં પોલીસને સીસીટીવી કેમેરામાં જાઈને પણ કોઈ કાર્યવાહી કરવાની કે રેલી અટકાવવાની ખબર નહી પડતા પોલીસે આ સીસીટીવી કેમેરા શું ઝખ મારવા લગાવ્યા છે ? તેવો પ્રશ્ન અનેક શહેરીજનોના મનમાં ઉદભવી રહ્યો છે. આ જ સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસે અત્યારસુધી શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસુલ કર્યો