વડોદરા, તા.૧૫ 

કારને ઓવરટેક કરવા બાબતે વાઘોડિયા રોડ પર યુવકની કરેલી હત્યાના ચકચારી બનાવમાં માથાભારે સુરજ કહાર જામીનમુક્ત બની રેલીસ્વરૂપે શહેરમાં સરઘસ કાઢયું હતું. આ અંગે હાઈકોર્ટમાં શહેરના જાગૃત લાૅના વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં વકીલ જયદેવ આચાર્ય દ્વારા પોલીસતંત્ર અને આરોપીના જામીનમુક્ત વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જજ જે.બી.પારડીવાલાની બેંચે સરકારને આડેહાથ લઈને આ બનાવમાં જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં લેવાની ગાઈડલાઈન આપી તપાસનો હુકમ કર્યો છે.  

શહેરના આજવા રોડ પર બાઈક લઈને જતા યુવાને પોતાને ઉતાવળ હોવાથી માથાભારે સુરજ કહારની કારને ગત તા.૪ એપ્રિલના રોજ ઓવરટેક કર્યો હતો. કારમાં બેઠેસા સુરજ કહારે અને તેના મિત્રોએ બાઈકચાલક યુવાનને માર મારી હત્યા કરી હતી. પાણીગેટ પોલીસે આ બનાવનો ગુનો નોંધી સુરજ કહારની ધરપકડ કરી હતી અને આરોપી સુરજ કહાર સેશન્સ કોર્ટમાં પોલીસના સીધા કે આડકતરા બચાવ માટે સોગંદનામું દાખલ કરવાથી જામીનમુક્ત બન્યો હતો. ગત લાૅકડાઉનમાં જામીનમુક્ત બનેલો માથાભારે સુરજ કહાર હરણી-વારસિયા રિંગ રોડ પર જેલથી ઓડી કારમાં બેસી રેલી સ્વરૂપે નીકળીને સરઘસ કાઢયું હતું. પોલીસની હાજરી હોવા છતાં તેને રોકેલ નહીં કે કોઈ પગલાં લીધેલાં નહીં. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મામલો વધુ ગરમાયો હતો. શહેરના જાગૃત એલએલબીના વિદ્યાર્થી સુયશ સહાયે પોતાના એડ્‌વોકેટ જયદેવ આચાર્ય દ્વારા હાઈકોર્ટમાં પોલીસની બેદરકાર અને માથાભારે આરોપી સુરજ કહારની છૂપાવેલી વિગતો સાથે પિટિશન કરી હતી.

આ પિટિશનની સુનાવણી હાઈકોર્ટની બેંચના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાએ હાથ ધર્યા બાદ સરકારને આડેહાથ લેતાં નોંધ્યું હતું કે, આ બનાવની ઘટના દુઃખદ અને આઘાતજનક છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા અને સંસ્કારીનગરીને સંસ્કૃતિ માટે શહેર જાણીતું છે, ત્યારે સંસ્કારીનગરીમાં પોલીસે તુરત જ રેલીને રોકીને તમામ વ્યક્તિઓની ધરપકડ કરવાની જરૂર હતી. અમે અપેક્ષા રાખીએ છીએ કે રાજ્ય સરકાર આ ઘટનાની તપાસ કરીને કોઈ પોલીસવાળાની આ ઘટનામાં સંડોવણી હતી કે નહીં, તપાસ અને સીધી-આડકતરી સંડોવણી જણાઈ આવે તો તેવા અધિકારી વિરુદ્ધ યોગ્ય પગલાં ભરે તેમજ જાે સુરજ કહારને આપેલા જામીન કાયદા પ્રમાણે ના હોય તો સરકારે તે માટે વહેલીતકે યોગ્ય પગલાં લેવા અમે રાજ્ય સરકારને ડાયરેક્શન આપીએ છીએ કે મરનારના પરિવાર-કુટુંબીજનોને આરોપી હેરાન કરે નહીં તેનું ધ્યાન રાખવું અને આરોપી આ કેસમાં સેટલમેન્ટ કરવા તેઓને ધમકાવે નહીં તેનું ધ્યાન રાખવુંનો હુકમ કર્યો હતો.