સુરત-

 ભગવાન શ્રીરામ જ્યારે લંકા પહોંચવા સેતુ બાંધ્યો, તે સમયે નાનકડી ખિસકોલીએ પણ પોતાની રીતે યથા યોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભુમિકા અદા કરી હતી. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં સપડાયું છે, ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ પોતાનું યોગદાન આપી રહ્યા છે. કોરોનાકાળના પ્રારંભથી જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સેવાના અહોભાવ સાથે 837 તબીબો અને 609 નર્સ 24 કલાક કોવિડ વોર્ડમાં પોતાની ફરજ બજાવી કર્તવ્ય નિભાવી રહયા છે. ફરજ દરમિયાન સિવિલના 135 તબીબો અને 92 નર્સો કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી 125 તબીબો અને 88 નર્સો કોરોને મ્હાત આપી, પોતાની ફરજમાં જોડાયા છે. આ યોધ્ધાઓ સન્માનને યોગ્ય છે, સલામ છે આ કોરોના વોરિયર્સને.

 નવી સિવિલમાં જોઈએ તો 53 સિનિયર રેસિડન્ટ ડોક્ટરો, 376 જુનિયર રેસિડન્ટ ડોક્ટરો, 84 નોન ક્લિનિકલ એક્ષપટ ડોક્ટર, 10 માઇક્રો બોયોલોજીના, 177 એક્ષપટ ક્લિનિકલક્ષેત્રના, 137 ઈન્ટન ડોકટરો મળી 837 ડોકટરો સેવા આપી રહ્યા છે. જેમાંથી 135 ડોકટરો સંક્રમિત થયા હતા જે પૈકી 125 કોરોનાને મ્હાત આપી ફરી પાછા ફરજ પર જોડાયા છે. જયારે 10 ડોકટરો સારવાર લઈ રહ્યા છે. જયારે નર્સીંગ સ્ટાફની વાત કરીએ તો 609 નર્સ પૈકી 92 નર્સ કોરોના સંક્રમિત થઈ હતી તે પૈકી 88 સ્વસ્થ થઈ ફરજ પર પરત ફર્યા છે. જયારે બે નર્સ સારવાર લઈ રહ્યા છે જયારે બે નર્સનું મૃત્યૃ થયું છે. આમ નવી સિવિલમાં છેલ્લા ચારથી પાંચ મહિના દરમિયાન સતત કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં દિન રાત કાર્યરત ડોકટરોની સેવાને સલામ છે.