સુરત-

ATMમાં રૂપિયા ઉપાડવા આવતા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી પીન નંબર જાણી લીધા બાદ એટીએમ કાર્ડ બદલી રૂપિયા પડાવી લેતી ટોળકીના બે લોકોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકના એટીએમ, ડેબિટ કાર્ડ, રોકડ રકમ ઉપરાંત મોબાઈલ મળી કુલ એક લાખથી વધુની મત્તા સુરત ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન સચીન GIDC વિસ્તારમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. જેમાં ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી બે વર્ષ અગાઉ યુપીના મિર્ઝાપુરમાં છેતરપિંડીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે.

આરોપીઓ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા સિનિયર સિટીઝન તેમજ મહિલાઓને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પીન નંબર જાણી અદલાબદલી કરી નાખતા હતા. જે બાદ તે એટીએમનો ઉપયોગ કરી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. આ પ્રકારે આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપતા હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન બહાર આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરતમાં ATM માંથી રૂપિયા ઉપાડવા આવતા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી પીન નંબર જાણી લીધા બાદ ATM કાર્ડ બદલી રૂપિયા પડાવી લેતી ટોળકીના બે લોકોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે.